ડૉલર મજબૂત થતાં સોનામાં રૂ. 130ની અને ચાંદીમાં રૂ. 263ની પીછેહઠ | મુંબઈ સમાચાર
વેપાર

ડૉલર મજબૂત થતાં સોનામાં રૂ. 130ની અને ચાંદીમાં રૂ. 263ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે ફેડરલનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલને સત્તા પરથી દૂર કરવાની શક્યતા નકારી કાઢતા આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવ 0.4 ટકા અને વાયદામાં ભાવ 0.6 ટકા તથા ચાંદીના ભાવ 0.2 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 130ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 263ની પીછેહઠ જોવા મળી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 263ના ઘટાડા સાથે રૂ. 1,10,937ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ખપપૂરતી લેવાલી તેમ જ રિટેલ સ્તરની તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 130ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 96,980 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 97,370ના મથાળે રહ્યા હોવાનું ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશને આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 3334.19 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 3340.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 37.87 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષમાં ફેરફાર થવાની કોઈ શક્યતા ન હોવાની ટ્રમ્પે સ્પષ્ટતા કરતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનામાં નરમાઈ જોવા મળી હતી અને ભાવ ઘટીને આૈંસદીઠ 3340 ડૉલર સુધી પહોંચ્યા હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જિગર ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે ટ્રમ્પે પૉવૅલની હકાલપટ્ટીની કોઈ યોજના ન હોવાનું બુધવારે જણાવ્યું હતું પરંતુ સાથે સાથે તેમણે પૉવૅલની વ્યાજદરમાં કપાત નહીં કરવા બાબતે ટીકા કરતા પૉવૅલને પદ પરથી દૂર કરવાની શક્યતા નકારી પણ નહોંતી.

આપણ વાંચો:  શુકનવંતા સોના-ચાંદીએ આપ્યા સારા સમાચાર, સતત ત્રીજા દિવસે ઘટી કિંમતો

અમેરિકામાં ગત જૂન મહિનામાં ગૂડ્સના ભાવમાં વધારો થયો હોવા છતાં આ વધારો સર્વિસીસ ક્ષેત્રે નબળી માગને કારણે સરભર થઈ જવાથી પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ સ્થિર રહ્યો હોવાના અહેવાલ હતા. જૂન મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં જોવા મળેલી સ્થિરતા દર્શાવે છે કે આયાત પર લાદવામાં આવેલી ટૅરિફની અર્થતંત્ર પર માઠી અસર ધાર્યા કરતાં ઓછી પડી છે, એમ ત્રિવેદીએ ઉમેર્યું હતું. દરમિયાન ગઈકાલે વેપાર કરારની વાટાઘાટ માટે યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિમંડળ અમેરિકી વાણિજ્ય સચિવને મળ્યું હોવાના અહેવાલ હતા.

વધુમાં પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે વિશ્વના સૌથી મોટા સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હાલ્ડિંગ 0.33 ટકા વધીને 950.79 ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button