વેપાર

સોનામાં રૂ. ૩૨૪નો ઘટાડો, ચાંદીમાં રૂ. ૧૮નો મામૂલી સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ટકેલું વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીમાં સુધારો આવ્યો હતો.

જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ગત શુક્રવારના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૩થી ૩૨૪નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૮નો સાધારણ સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ખાસ કરીને ગત શુક્રવારના નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં ૧૦ ગ્રામદીઠ ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૨૩ ઘટીને રૂ. ૮૭,૪૯૩ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૨૪ ઘટીને રૂ. ૮૭.૮૪૫ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: રૂપિયાની મજબૂતી અને વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 548 તૂટી, સોનામાં રૂ. 49નો ઘટાડો

જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જવેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં મુખ્યત્વે જવેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૮ના સાધારણ સુધારા સાથે રૂ. ૯૭,૬૩૮ના મથાળે રહ્યા હતા.

તાજેતરમાં વૈશ્વિક સોનામાં તેજી પશ્ચાત્ નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ એકંદરે બજારમાં ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ ટેરિફ વૉરની ભીતિ અને મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ આસપાસ ઔંસદીઠ ૩૦૨૫.૩૮ ડૉલર આસપાસની સપાટીએ મક્કમ રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ૩૦૨૯.૭૦ ડૉલર આસપાસ ક્વોટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૩૩.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: Mumbai Bullion Market: ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ આજના લેટેસ્ટ ભાવ જાણો?

ટેરિફની ચિંતા વચ્ચે હાલ વૈશ્વિક સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ રહેશે, પરંતુ શક્યતઃ રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણા સફળ થશે તો આંશિક સુધારો જોવા મળી શકે છે, એમ કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે જો અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ આગામી બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફનો અમલ કરે તો ફુગાવાલક્ષી દબાણ વધવાની સાથે અમેરિકાની આર્થિક વૃદ્ધિ પર પણ માઠી અસર પડવાની શક્યતા છે.

જોકે, ગત શુક્રવારે ટ્રમ્પે ટેરિફ બાબતે અમુક અંશે હળવુ વલણ અપનાવવામાં આવે તેવો સંકેત આપ્યો હતો. તેમ છતાં ટેરિફના અમલ સાથે ફુગાવાલક્ષી દબાણને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારાને ટેકો મળશે, એમ વૉટરરે ઉમેર્યું હતું.

સામાન્યપણે વધતા ફુગાવા, આર્થિક અનિશ્ચિતતા અને રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની લેવાલીનો ટેકો મળતો હોય છે. જોકે, હાલમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી ભારત સહિત એશિયન બજારોમાં સોનામાં આભૂષણો માટેની માગ નિરસ રહેતી હોવાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button