સોનામાં રૂ. 146નો અને ચાંદીમાં રૂ. 40નો સાધારણ ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, અમેરિકાની રાજકોષીય ચિંતા સપાટી પર હોવાથી ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 40નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 145થી 146નો સાધારણ ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 40ના સાધારણ ઘટાડા સાથે રૂ. 97,357ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 145 ઘટીને રૂ. 95,284 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 146 ઘટીને રૂ. 95,667ના મથાળે રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 3325.99 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.2 ટકા ઘટીને 3325.70 ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 33.12 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હાલના તબક્કે સોનાના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને રોકાણકારો નવાં ટ્રીગરની રાહ જોઈ રહ્યા હોવાનું ઓએએનડીએના એશિયા પેસિફિક વિભાગનાં વિશ્લેષક કેલ્વિન વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે રોકાણકારોમાં અમેરિકાની અંદાજપત્રીય ખાધ વધવાની ચિંતા અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ સોનાના સુધારાને ટેકો આપી રહ્યું છે અથવા તો ભાવઘટાડો પણ મર્યાદિત રાખે છે. નોંધનીય બાબત એ છે કે આજે ડૉલર ઈન્ડેક્સ એક મહિનાની નીચી સપાટીએથી પાછો ફર્યો હોવાને કારણે સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા હતા.
દરમિયાન અમેરિકી કૉંગે્રસનલ બજેટ ઑફિસ અનુસાર ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના પસાર થયેલા ટૅક્સ-કટ બિલને કારણે એક દાયકામાં અમેરિકાના અંદાજપત્રીય 36.2 ટ્રિલિયન ડૉલરના સરકારી દેવામાં 3.8 ટ્રિલિયન ડૉલરનો વધારો થશે.
વધુમાં હાલના તબક્કે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણય પર પડે તેવાં આ સપ્તાહ દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વનાં નીતિઘડવૈયાઓનાં વક્તવ્યો પર અને શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ પર રહેશે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા ફેડ ફંડ ફ્યુચર્સ પર ટ્રેડરો મૂકી રહ્યા છે.
આ પણ વાંચો….ચીનને પછાડી ભારત બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું: ડી બીયર્સ