વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 126નો અને ચાંદીમાં રૂ. 175નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ફેડરલના રેટ કટના આશાવાદ હેઠળ ડૉલર ઈન્ડેક્સ એક કરતાં વધુ સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ધીમો સુધારો અને વાયદામાં ધીમો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન પાંખાં કામકાજો વચ્ચે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 175નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 125થી 126નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 175ના સાધારણ ઘટાડા સાથે રૂ. 1,15,100ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 125 ઘટીને રૂ. 99,571 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 126ના ઘટાડા સાથે રૂ. 99,971ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને 3357.65 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને 3406.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 38.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા મૂકાઈ રહી હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી આવતા વૈશ્વિક સોનામાં સુધારો જોવા મળ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતા ઉમેર્યું હતું કે ટૅક્નિકલ દૃષ્ટિએ સોનામાં મજબૂત વલણ જળવાઈ રહેતાં ભાવ આૈંસદીઠ 3400 ડૉલર સુધી પહોંચી શકે છે.
ગત જુલાઈ મહિનામાં અમેરિકામાં ફુગાવામાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થવાથી ફેડરલ રિઝર્વ આગામી મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઉજળી બની હોવાનું ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવતાં વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે વ્યાજદરમાં કપાતના સંજોગોમાં રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ રહેતી હોય છે.
જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલના વ્યાજદરમાં કપાતના નિર્ણય પર અસર કરે તેવાં આવતીકાલે જાહેર થનારા અમેરિકાના સાપ્તાહિક બેરોજગારીના ડેટા, પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ તેમ જ રિટેલ વેચાણના ડેટા પર સ્થિર થઈ છે. આ ઉપરાંત યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ વિરામના મુદ્દે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ તથા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે યોજાનારી બેઠક પર પણ સ્થિરિ થઈ છે.
આ પણ વાંચો…સોનાની લગડી પર ઊંચા ટૅરિફને ટ્રમ્પના રદિયાથી હાજર સોનામાં 1.50 ટકાના કડાકા બાદ ધીમો સુધારો