સોના-ચાંદીના ભાવમાં ફરી ચમકારોઃ મુંબઈના માર્કેટમાં આજના લેટેસ્ટ ભાવ જાણો?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ આગામી ટૂંક સમયમાં અમેરિકામાં થતી આયાત સામે રેસિપ્રોકલ ટૅક્સ લાદે તેવી શક્યતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં મક્કમ ગતિએ તેજી આગળ ધપી હોવાના નિર્દેશો હતા. જોકે, આજે મોડી સાંજે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પૂર્વે ટ્રેડરોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો.
તેમ છતાં વિશ્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1437નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 896થી 899 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1437ના ઉછાળા સાથે ફરી રૂ. 95,000ની સપાટી કુદાવીને રૂ. 95,626ના મથાળે રહ્યા હતા.
આપણ વાંચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી
વધુમાં વિશ્વ બજાર પાછળ સોનામાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 896 વધીને રૂ. 85,401 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 899 વધીને રૂ. 85,744ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં રેસિપ્રોકલ ટૅક્સ અર્થાત્ જે દેશે અમેરિકાથી થતી આયાત સામે જેટલી ડ્યૂટી લાદી હશે તેટલી માત્રામાં ડ્યૂટી લગાડવાની અથવા તો જેવાં સાથે તેવાંની નીતિ અપનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવશે, એમ જણાવ્યું હતું.
તેમ જ જો રેસિપ્રોકલ ટૅક્સ લાદવામાં આવે તો વૈશ્વિક ટ્રેડ વૉર સર્જાવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 2918 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.6 ટકા વધીને 2945.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 32.37 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે
આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ટ્રેડ વૉરની ભીતિ ઉપરાંત વેપાર લગતી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં સોનામાં સલામતી માટેની માગ અને રોકાણકારો પોર્ટફોલિયો બેલેન્સિંગ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવામાં દોઢ વર્ષનો સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હોવાથી ફેડરલ રિઝર્વ શક્યતઃ તેના વલણમાં ફેરફાર કરે અને હળવી નાણાનીતિ અપનાવે તેવી ધારણા હેઠળ સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ પુનઃ ટ્રેડ વૉરની ભીતિને કારણે અનિશ્ચિતતાઓ સર્જાવાની શક્યતાને કારણે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં ઉછાળો આવ્યો હતો.
આપણ વાંચો: વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 391 નો અને ચાંદીમાં રૂ. 549 નો ઘટાડો…
જોકે, હવે ટ્રેડરો અને રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે ટેસ્ટિમનીમાં જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વની વધતા ભાવ સામેની લડત હજુ પૂરી નથી થઈ. તેમ જ વ્યાજદરમાં વધુ ઘટાડા માટે અમારે ફુગાવો બે ટકાની લક્ષ્યાંકિત સપાટી આસપાસ આવે ત્યાં સુધી રાહ જોવાની છે.
નોંધનીય બાબત એ છે કે અમેરિકી બૉન્ડની ઊંચી યિલ્ડને કારણે સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ રૂંધાતી હોય છે.
જોકે, વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સોનામાં વધી રહેલી રોકાણલક્ષી માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેતાં સોનાની તેજીને ટેકો મળતો રહેશે, એમ એએનઝેડે એક નોટ્સમાં જણાવ્યું હતું.