વેપાર

ડૉલરમાં તેજી અટકતા વિશ્વ બજાર પાછળ સોનામાં ₹866નું અને ચાંદીમાં ₹1844નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં એકતરફી તેજીને બે્રક લાગતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં એક ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 1.4 ટકા જેટલો ઉછાળો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આગલા બંધની સરખામણીમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 862થી 866નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1844નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગત શુક્રવારે સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન ગુરુનાનક જયંતી નિમિત્તે ધોરણે બંધ રહ્યું હોવાથી ભાવની સત્તાવાર ધોરણે જાહેરાત નહોંતી થઈ. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં વિશ્વ બજાર પાછળ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ ગત ગુરુવારના બંધ સામે રૂ. 862ના બાઉન્સબૅક સાથે રૂ. 74,306 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 866 વધીને રૂ. 74,605ના મથાળે રહ્યા હતા.


Also read: ટ્રમ્પની તેજીને પરિણામે કૅનેડા, ઈટાલીની જીડીપી કરતાં ક્રિપ્ટોની માર્કેટ કેપ ઊંચી સપાટીએ


જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની લગ્નસરાની ખપપૂરતી માગ જળવાઈ રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1844ના બાઉન્સબૅક સાથે રૂ. 88,947ના મથાળે રહ્યાં હતાં.

ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં 1.6 ટકા જેટલો ઉછાળો આવવાની સાથે રોકાણકારોની વેચવાલીના દબાણ હેઠળ સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં તેજી અટકતા લંડન ખાતે સત્રના આરંભમાં સોનાના ભાવમાં ચમકારો જોવા મળતાં ભાવ આગલા બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 2584.80 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.8 ટકા વધીને 2589.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.4 ટકા વધીને 30.64 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જો ડૉલર ઈન્ડેક્સમાં રોલઓવર જળવાઈ રહેશે તો સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળશે, એમ આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે અમેરિકી નીતિ ઘડવૈયાઓ આગામી ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં કાપ મૂકીને જાન્યુઆરીમાં વ્યાજદર યથાવત્‌‍ રાખવાનું પ્લેટફોર્મ તૈયાર કરશે જે સોનામાં તેજી માટેનું અવરોધક પરિબળ પુરવાર થઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વર્તમાન સપ્તાહમાં અમેરિકી ફેડરલના અંદાજે સાત અધિકારીઓનાં વક્તવ્ય ઉપરાંત અમેરિકાના ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર મીટ મંડાયેલી રહેશે કેમ કે આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાતનો નિર્ણય મુખ્યત્વે ફુગાવાના ડેટા પર અવલંબિત રહેશે. જોકે, ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકાના ઑક્ટોબરનાં રિટેલ વેચાણના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી અમેરિકી અર્થતંત્રમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવાનો નિર્દેશ હોવાથી આગામી 17-18 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ જળવાઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


Also read: આ કારણે રોઝમેર્ટા ડિજિટલનો આઇપીઓ મુલતવી રખાયો


જોકે બીએમઆઈના એનાલિસ્ટે વર્ષ 2024ના શેષ ચોથા ત્રિમાસિકગાળાથી વર્ષ 2025નાં પહેલા ત્રિમાસિકગાળા સુધી સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 2200થી 2600 ડૉલરની રેન્જમાં રહેવાની ધારણા મૂકી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button