સોનામાં નફારૂપી વેચવાલી નીકળતા સ્થાનિકમાં ₹706 તૂટ્યા, ચાંદી ₹1405 ગબડી

મુંબઈ: વિતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં છેલ્લાં પાંચ સત્રમાં એકતરફી તેજીનો માહોલ રહ્યા બાદ આજે નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે ફંડ મેનેજર સ્કોટ બેસન્ટની નિયુક્તિ કરી હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી ૧૦ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં વધુ દબાણ હેઠળ આવતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦૩થી ૭૦૬નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૦૫ ગબડી ગયા હતા.
Also read: વૈશ્વિક સોનામાં નફારૂપી વેચવાલી નીકળતા સ્થાનિકમાં રૂ. 1089 તૂટ્યા, ચાંદી રૂ. 1762 ગબડી
બજારનાં સાધનોના જણાવ્યા મુજબ આજે ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૦૫ ગબડીને ફરી રૂ. ૯૦,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને રૂ. ૮૯,૪૪૫ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, રોકાણકારો અને રિટેલ સ્તરની લેવાલી મર્યાદિત રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦૩ ઘટીને રૂ. ૭૬,૭૭૨ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૦૬ ઘટીને રૂ. ૭૭,૦૮૧ના મથાળે રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં પાંચ ટકા જેટલો ઊછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેવાની સાથે અમેરિકાના નવાં ચૂંટાયેલા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી ટ્રેઝરી સચિવ તરીકે ફંડ મેનેજર સ્કોટ બેસન્ટની નિયુક્તિ કરતાં અમેરિકા-ચીન વચ્ચેની વેપાર અંગેની અનિશ્ર્ચિતતા હળવી થવાની શક્યતા ઉપરાંત ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ મંત્રણા સફળ રહેવાના આશાવાદને કારણે સલામતી માટેની માગમાં ઘટાડો થવાથી સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે એક ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૮૬.૭૩ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૯ ટકા ઘટીને ૨૬૮૮.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૧.૬ ટકા ગબડીને ઔંસદીઠ ૩૦.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હવે રોકાણકારોની નજર સપ્તાહ દરમિયાન જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ ઉપરાંત સુધારિત જીડીપીના ડેટા અને પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ છે.
નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ફેડરલના ઘણાં નીતિ ઘડવૈયાઓએ ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી હોવાથી ગત સપ્તાહે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો જે ૬૨ ટકા વ્યક્ત કરતા હતા.
Also read: માર્કેટમાં 6 કંપનીના આઈપીઓ આવી રહ્યા છે, નવા રોકાણ માટે થઈ જાઓ તૈયાર
તેની સામે આજે ૫૬ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી. જે આ ટકાવારી ૬૨ ટકાના સ્તરે હતી. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.