વેપાર

રૂપિયો મજબૂત થતાં સોના-ચાંદીમાં ઘટાડો: આજના મુંબઈના લેટેસ્ટ ભાવ જાણો?

અમેરિકી કોંગ્રેસમાં જંગી વેરા કપાત અને ખર્ચનું બિલ પસાર, રાજકોષીય ચિંતા સપાટી પર આવતા સોનામાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકી કૉંગે્રસમાં પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનું જંગી વેરા કપાત અને ખર્ચ અંગેનું બિલ પસાર થઈ જતાં આજે વિશ્વ બજારમાં રાજકોષીય ચિંતા સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણલક્ષી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ ટકેલા રહ્યા હતા. જોકે, ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 194થી 195નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 253નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 253નાઘટાડા સાથે રૂ. 1,07,367ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયામાં મજબૂત વલણ અને ઊંચી સપાટીએથી સ્ટોકિસ્ટોની અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 194ના ઘટાડા સાથે રૂ. 96,753 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 195ના ઘટાડા સાથે રૂ .97,142ના મથાળે રહ્યા હતા.

ગઈકાલે અમેરિકી કૉંગે્રસમાં પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનું વેરા કપાત અને ખર્ચનો ખરડો પસાર થઈ જતાં રાજકોષીય ખાધની ચિંતા સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 3343.94 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 3354 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 36.83 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગુરુવારે ટ્રમ્પના વેરા કપાતના કાયદાએ કૉંગે્રસમાં અંતિમ અવરોધ દૂર કર્યો હતો. આ કાયદા મારફતે ટ્રમ્પનાં વર્ષ 2017નાં કાપ કાયમી બનવાની સાથે તેમની ઈમિગે્રશન કાર્યવાહીને ભંડોળ પૂરું પાડ્યું હતું અને વર્ષ 2024નાં ચૂંટણી પ્રચાર માટેનાં નવા કરવેરા છૂટછાટનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત બિલને ધ્યાનમાં લેતા આગામી સમયગાળામાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહે તેમ હોવાથી સોનામાં મક્કમ ગતિએ સુધારો જળવાઈ રહેવાની શક્યતા એનાલિસ્ટ એડવર્ડ મેઈરે જણાવ્યું હતું.

આ બિલને કારણે અમેરિકાનું રાષ્ટ્રીય દેવુ 3.4 ટ્રિલિયન ડૉલર વધીને 36.2 ટ્રિલિયન ડૉલરની સપાટીએ પહોંચે તેવો અંદાજ અમેરિકાની નોન પાર્ટિસિયન કૉંગે્રસનલ બજેટ ઑફિસ દ્વારા મૂકવામાં આવ્યો છે. આથી ડૉલર ઈન્ડેક્સમાં સતત બીજા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો છે. તેમ જ ડૉલર નબળો પડતાં દરિયાપારના ખરીદદારોને સોનું આકર્ષિત કરી રહ્યું છે. જો અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ આગામી નવમી જુલાઈથી ટૅરિફનો અમલ કરશે તો ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનાની તેજીને ટેકો મળતો રહેશે, એમ મેઈરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત બીજી એપ્રિલના રોજ ટ્રમ્પે અમેરિકામાં થતી આયાત સામે 10થી 50 ટકા સુધીના ટૅરિફની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાર બાદ નવમી જુલાઈ સુધી ટૅરિફના દર 10 ટકા સુધી સીમિત રાખ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button