વેપાર

નિરસ માગે સોનામાં રૂ. 32નો ઘસરકો, ચાંદી રૂ. 302 ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સત્રના આરંભે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 31થી 32નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 302 ઘટી આવ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 32 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં 995 ટચ સોનાના ભાવ આગલા બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 31 ઘટીને રૂ. 85,683 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 32 ઘટીને રૂ. 86,027ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 302 ઘટીને રૂ. 96,422ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: ટ્રેડ વૉર: અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં અન્ડરટોન મજબૂત

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ટ્રેડ વૉરની ભીતિ હેઠળની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.1 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 2914 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને 2920.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 32.45 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકાની વિદેશ વેપારની નીતિમાં અનિશ્ચિતતા વધી રહી હોવાથી આર્થિક વૃદ્ધિ મંદ પડવાના જોખમોમાં વધારો થઈ રહ્યો હોવાથી સોનામાં સલામતી માટેની માગને ટેકે તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી એકાદ-બે મહિનામાં જ સોનાના ભાવ આૈંસદીઠ 3000 ડૉલરની સપાટીએ પહોંચે તો નવાઈ નહીં.

આ પણ વાંચો: સોનામાં રૂ. 46નો ધીમો સુધારો, ચાંદીમાં રૂ. 905ની આગેકૂચ

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીનની ટેરિફને ધ્યાનમાં લેતા અમેરિકી અર્થતંત્ર મંદીની ગર્તામાં સરી જશે કે નહીં તે અંગે ભાવી ભાખવાનું ટાળ્યું હતું. એકંદરે ટેરિફના અમલ અંગેના નિર્ણયોમાં દૃઢતાના અભાવને કારણે અમેરિકા સહિતના ઈક્વિટી માર્કેટમાં રોકાણકારો અવઢવમાં મૂકાયેલા છે. તેમ છતાં ડૉનલ્ડ ટ્રમ્પની નીતિઓ આર્થિક વૃદ્ધિ મંદ પાડનારી તેમ જ ફુગાવમાં વૃદ્ધિ કરનારી હોવાનું જણાઈ રહ્યું હોવાથી રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ પ્રબળ રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જોકે, હવે રોકાણખારોની નજર આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈ ઈન્ડેક્સનાં તેમ જ ગુરુવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. સામાન્યપણે રાજકીય જોખમો અને ફુગાવમાં થતી વૃદ્ધિના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદરના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં માગ નબળી પડતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button