
નિલેશ વાઘેલા
મુંબઇ: આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ પરિબળોને પરિબળોને આધિન બુલિયન માર્કેટમાં આગઝરતી તેજીનો માહોલ જામ્યો છે. વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતું નવી ઊંચી સપાટી સર કરી રહી છે ત્યારે સ્થાનિક ધોરણે સપ્તાહના પહેલા દિવસે સોનામાં દસ ગ્રામે રૂ. ૨૧૯૨નો અને ચાંદીમાં એક કિલોગીઠ રૂ. ૬૨૮૧નો તોતિંગ ઉછાળો નોંધાયો છે.
દેશની રાજધાની ખાતે ચાંદીએ પહેલી વાર રૂ. ૧.૫૦ લાખના આંકડાને સ્પર્શ કર્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૧,૧૩,૨૬૨ના પાછલા બંધ સામે દસ ગ્રામે રૂ. ૨,૧૯૨ના ઉછાળા સાથે રૂ. ૧,૧૫,૪૫૪ની સપાટીએ અને ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૧,૧૨,૮૦૮ના પાછલા બંધ સામે રૂ. ૨,૧૮૪ પ્રતિ દસ ગ્રામ સામે રૂ. ૧૧૪૯૯૨ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, .૯૯૯ ટચની શુદ્ધ હાજર ચાંદીના ભાવ રૂ. ૧,૩૮,૧૦૦ના પાછલા બંધ સામે એક કિલોદીઠ રૂ. ૬,૨૮૧ના જોરદાર ઉછાળા સાથે રૂ. ૧,૪૪,૩૮૭ બોલાયા હતા.
ગોલ્ડમેન સાશના તાજા અહેવાલમાં બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૫,૦૦૦ ડોલર રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રૂપિયાની દ્રષ્ટિએ વર્તમાન વિનિમય દરે આ ભાવ પ્રતિ ૧૦ ગ્રામ આશરે રૂ. ૧,૫૫,૦૦૦ થશે. સોનામાં તેજી આવવાના કારણોમાં ભૂરાજકીય ટેન્શન ઉપરાંત વૈશ્ર્વિક સેન્ટ્રલ બેંકોની ખરીદી, ટ્રમ્પના તઘલખી ફતવાઓને કારણે સર્જાતી નીતિ અનિશ્ચિતતા, ક્રિપ્ટોથી સોના તરફ ડાયવર્ઝન અને ડોલરની નબળાઇનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી ખાતે ચાંદી પહેલી વાર કિલોગ્રામ દીઠ રૂ. ૧.૫૦ લાખને સ્પર્શી ગઈ હતી અને સોનાનો ભાવ રૂ. ૧૫૦૦ વધીને રૂ. ૧,૧૯,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાયો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે ચાંદીના ભાવ રૂ. ૭,૦૦૦ વધીને રૂ. ૧.૫ લાખ પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા, જ્યારે મજબૂત વૈશ્ર્વિક વલણો વચ્ચે સોનાના ભાવે રૂ. ૧,૧૯,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો નવું શિખર સર કર્યું હતું.
બુલિયન બજારમાં ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતી આ કિંમતી ધાતુ રૂ. ૧,૫૦૦ વધીને રૂ. ૧,૧૯,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ (બધા કર સહિત)ની આજીવન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી, જે અગાઉના સત્રમાં રૂ. ૧,૧૮,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે હતી. એ જ રીતે, ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ ૧,૫૦૦ રૂપિયા વધીને ૧,૧૮,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો, જે શનિવારે ૧,૧૭,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો.
આ પણ વાંચો…સોનામાં આભૂષણો માટેની માગ શુષ્ક, પરંતુ વધુ તેજીના આશાવાદે રોકાણલક્ષી માગમાં વૃદ્ધિ…