(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૫૦નો ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ ઘટતી બજારમાં માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૫૦ ઘટીને રૂ. ૮૮,૩૧૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૯ ઘટીને ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૪,૫૩૦ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૪,૮૩૦ના મથાળે રહ્યા હતા.
| Read More: Gold Silver Price : ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો વધારો, સોનાના ભાવમાં પણ તેજી
અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં બહુધા નીતિઘડવૈયાઓ હળવી નાણાનીતિ અખત્યાર કરવામાં સહમત થયા હતા અને વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આગામી વ્યાજદરમાં કપાત માટે ડેટા પર અવલંબન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ ફેડરલની મિનિટ્સની જાહેરાત પશ્ર્ચાત્ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી ૦.૨ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૬૧૩.૪૯ ડૉલર અને ૨૬૩૦.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૩૦.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, એએનઝેડે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની તથા રોકાણલક્ષી પ્રબળ માગ સામે પુરવઠા સ્થિતિ તંગ રહેતાં આગામી ટૂંકા સમયગાળા માટે ચાંદીના ભાવનો લક્ષ્યાંક ૩૪ ડૉલરનો મૂક્યો છે.
| Read More: Gold Price Today : સોના -ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ
ફેડરલ દ્વારા આગામી વ્યાજદરમાં કપાતનો આધાર ડેટા આધારીત રહેવાનો હોવાથી આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવા અંગે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હતો. વધુમાં બીએમઆઈએના વિશ્ર્લેષકોએ ફેડરલના હળવી નાણાનીતિ અપનાવવાના સંકેત અને પ્રવર્તમાન મધ્ય પૂર્વના દેશોની તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૪ માટે સોનાના વૈશ્ર્વિક ભાવનો લક્ષ્યાંક જે અગાઉ ઔંસદીઠ ૨૨૫૦ ડૉલરનો મૂક્યો હતો તે વધારીને ૨૩૭૫ ડૉલરનો મૂક્યો છે.