વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. ૩૮નો સુધારો, ચાંદી રૂ. ૫૮૬ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવી ગયો બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી ભાવમાં ધીમો સુધારો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૮૬ના ચમકારા સાથે ફરી રૂ. ૮૪,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૮૬ના ચમકારા સાથે રૂ. ૮૪,૦૯૮ના મથાળે રહ્યા હતા.જોકે, જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૯૧૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨,૨૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેનાં નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગત એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમા અંદાજે એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૩૮.૭૮ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૨૩૪૪.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે અમેરિકાનાં એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની અને આવતીકાલે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત થનાર છે. બજાર વર્તુળો ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં માસાનુમાસ ધોરણે ૦.૩ ટકાની વૃદ્ધિની ધારણા મૂકી રહ્યા છે, જોકે, ગત માર્ચ મહિનામાં ૦.૪ ટકાની વૃદ્ધિ થઈ હતી. તાજેતરમાં રોઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં વાર્ષિક ફુગાવો ઘટીને ૩.૬ ટકા આસપાસ રહે તેવી ધારણા મૂકાઈ રહી છે.
આગામી ટૂંકા સમયગાળા દરમિયાન જો સોનાના ભાવ ઔંસદીઠ ૨૩૨૦થી ૨૩૩૦ ડૉલર આસપાસની સપાટી જાળવી રાખે તો તે સોના માટે સકારાત્મક નિર્દેશો આપે છે. જો ક્ધઝ્યુમર પ્રાઈસમાં ઘટાડો જોવામળે તો સોનાના ભાવ આ ટેકાની સપાટીથી વધીને ફરી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા એશિયા પેસિફિકનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે વ્યક્ત કરી હતી. જોકે, હાલના તબક્કે સોનાને ફુગાવામાં સ્થિરતાનો ટેકો મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહના અંતે અમેરિકાનાં રોજગારીનાં ડેટા બજારની અપેક્ષાથી નબળા આવતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલી કપાતના આશાવાદે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો.