ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં એક મહિનાની નીચી સપાટીએથી બાઉન્સબૅક
સ્થાનિક સોનામાં રૂ. 167નો અને ચાંદીમાં રૂ. 682નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે જોખમી પરિબળો હળવા થવાની સાથે સોનામાં સલામતી માટેની માગ ઓસરી હોવા છતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં એક મહિનાની નીચી સપાટીએથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 167નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 682 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 682 વધીને રૂ. 1,05,875ના મથાળે રહ્યા હતા. તેમ જ મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ હાજરમાં સોનાના વેરારહિત ધોરણે ભાવ આગલા બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 167 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 95,567 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 95,951ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: હવે વીજળીના ભાવ પણ બજાર નક્કી કરશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરશે ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.3 ટકા નબળો પડ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 0.5 ટકા વધીને 3290 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 3301 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 36.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે વૈશ્વિક સ્તરે અમેરિકાની વેપારી ભાગીદાર દેશો સાથે ટૅરિફ અંગે થઈ રહેલી વાટાઘાટોની પ્રગતિ અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ હળવો થવાથી જોખમી પરિબળો ઓછા થતાં રોકાણકારોની સલામતી માટેની ખરીદીમાં હવે સોનું બીજા ક્રમાંકે આવ્યું હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે આજે સોનાના સુધારાને ડૉલર ઈન્ડેક્સની નરમાઈનો ટેકો મળ્યો છે.
આ પણ વાંચો: અમેરિકાની ટોચની સંસ્થા જીઆઇએનો જ્વેલરી ગ્રેડિંગમાં પ્રવેશ
નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બૅસન્ટે જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે મહત્ત્વના ખનીજોના શિપમેન્ટ માટેની ડીલ થઈ ગઈ છે અનેે અન્ય દેશો સાથે વાટાઘાટો થઈ રહી છે, તથા આગામી પહેલી સપ્ટેમ્બર પૂર્વે ડીલ થઈ જવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં કેનેડાએ ટ્રેડ ડીલ આગળ ધપાવવા માટે અમેરિકી ટૅક્નોલૉજી કંપનીઓને લક્ષ્યાંકિત કરતો ડિજિટલ સર્વિસ ટૅક્સ દૂર કર્યો હોવાનું જણાવ્યું હતું.
આમ એકંદરે જોખમી પરિબળો ઓછા થવાથી હવે માત્ર ડૉલર ઈન્ડેક્સની નબળાઈનો સોનાને ટેકો મળી રહ્યો હોવાથી અમારા મતે હાલના તબક્કે વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 3250 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ 3200 ડૉલર સુધી ઘટવાની શક્યતા ટીમ વૉટરરે વ્યક્ત કરી હતી.