વેપાર તણાવ હળવો થવાના આશાવાદ વચ્ચે વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહના તળિયે | મુંબઈ સમાચાર
વેપાર

વેપાર તણાવ હળવો થવાના આશાવાદ વચ્ચે વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહના તળિયે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ હળવો થવાના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સોના અને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર હોવાથી સાવચેતીના અભિગમમાં કામકાજો પણ પાંખા રહેતાં સોનાના ભાવમાં 1.4 ટકા ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તેમ જ ચાંદીના ભાવમાં 0.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3023થી 3034નો ઘટાડો આવ્યો હતો જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. 1.19 લાખની અંદર ઊતરી ગયા હતા. આ સિવાય ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 3135 ગબડી ગયા હતા.

આપણ વાચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલો સાથે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3023 ઘટીને રૂ. 1,17,570 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3034 ઘટીને રૂ. 1,18,043ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદને કારણે સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી શુષ્ક રહી હતી.

વધુમાં આજે ચાંદીમાં પણ ભાવઘટાડો આગળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3135ના ઘટાડા સાથે રૂ. 1,41,896ની સપાટીએ રહ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ માત્ર ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી લેવાલી જોવા મળી હતી.

વેપાર તણાવ હળવો થવાના આશાવાદ સાથે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે બે ટકા જેટલા ઘટી આવ્યા બાદ 1.4 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 3924.99 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ બે ટકાના ઘટાડા સાથે 3940.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 46.47 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદને કારણે હાલમાં રોકાણ ઈક્વિટી જેવી જોખમી અસ્ક્યામતો તરફ વળતાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગ પર માઠી અસર પડી રહી હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્લેષક રિકાર્ડો એવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું

નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે મારા મતે ચીન સાથે વેપાર કરાર થઈ જવાની તૈયારીમાં છે અને મહત્ત્વના ખનીજો માટે મલયેશિયા સહિત ચાર દક્ષિણપૂર્વના દેશો સાથે ડીલ થઈ છે.

વધુમાં આજે રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. જોકે, આ બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યાં છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button