અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલનો આશાવાદ છતાં વૈશ્વિક સોનામાં 1.1 ટકાની તેજી
ચાંદીમાં ઘટ્યા મથાળેથી રૂ. 1003નું બાઉન્સબૅક, સોનામાં રૂ. 10નો ઘસરકો

મુંબઈઃ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં ગઈકાલે સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે રોકાણકારોની પુનઃ ઘટ્યા મથાળેથી સલામતી માટેની માગ ખૂલતાં લંડન ખાતે ભાવમાં 1.1 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 1003નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 10નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1003ના બાઉન્સબૅક સાથે ફરી રૂ. 97,000ની સપાટી કુદાવીને રૂ. 97,616ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીમાં નિરુત્સાહ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ 10 ગ્રામદીઠ સાધારણ રૂ. 10ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 95,690ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 96,075ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી રોકાણકારોની બાર્ગેઈન હંન્ટિગ રહેતાં હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 3323.21 ડૉલર અને 3330.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 33.29 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ભારે ચંચળતા જોવા મળી છે. ગત મંગળવારે સોનાના વૈશ્વિક ભાવ 3500.05 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદ વચ્ચે સોનાના ભાવ એક તબક્કે ઘટીને આૈંસદીઠ 3300 ડૉલરની પણ અંદર ઉતરી ગયા હતા. એકંદરે સોનામાં મૂળભૂત પરિબળો મજબૂત હોવાથી આજે રોકાણકારોની ઘટાડે લેવાલી નીકળતા પુનઃ ભાવમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રૉડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે રોકાણકારો લાંબાગાળે સોનામાં મોટી તેજીની ધારણા બાંધી રહ્યા હોવાનું જણાય છે.
દરમિયાન ગઈકાલે અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે અમેરિકા તથા ચીન દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટૅરિફના દર યોગ્ય નથી અને વાટાઘાટો કરતાં પહેલાં તેમાં ઘટાડો કરવો જોઈએ, પરંતુ ડૉનલ્ડ ટ્રમ્પ એકપક્ષીય ધોરણે ટૅરિફમાં ઘટાડો કરશે નહીં. અમુક અહેવાલો અનુસાર ટ્રમ્પ કાર ઉત્પાદકોનાં લૉબિંગને ધ્યાનમાં લેતા અમુક ટૅરિફથી તેઓને બાકાત રાખવાની યોજના ધરાવે છે.
વધુમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ગઈકાલે ચેતવણી આપી હતી કે ટૅરિફનાં ઊંચા દરને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર ધીમો પડવાની સાથે દેવામાં પણ વધારો થશે.
આ પણ વાંચો…ટેરિફના ફટકાને ફગાવી સેન્સેક્સે લગાવી ૧૫૭૮ પોઇન્ટની છલાંગ…