વેપાર

અમેરિકા-ચીન વચ્ચે વેપાર વાટાઘાટના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ

ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ અને ભારત-પાક વચ્ચે ભૂરાજકીય તણાવ વધવાની ભીતિ હેઠળ સ્થાનિકમાં સોનું રૂ.605ની તેજી સાથે રૂ. 97,000ની પાર, ચાંદી રૂ. 279 વધી

મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચે વેપાર વાટાઘાટના આશાવાદ હેઠળ હાજરમાં સોનાના ભાવમાં 1.2 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.6 ટકાનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા.

જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ભારતે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યાનાં અહેવાલ અને પાકિસ્તાને ભારતનાં પાંચ ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કરતાં ભારત-પાક વચ્ચે ભૂરાજકીય તણાવ વધે તેવી ભીતિ તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 35 પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 603થી 605નો વધારો થયો હતો અને ભાવ રૂ. 97,000ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 279નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ હોવાથી સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 279 વધીને રૂ. 96,133ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડતાં હાજરમાં વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 603 વધીને રૂ. 97,103 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 605 વધીને રૂ. 97,493ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે ખાસ કરીને ચીન અને અમેરિકાના અધિકારીઓની જિનિવા ખાતે વેપાર વાટાઘાટ માટે બેઠક યોજાવાના અહેવાલો વહેતા થતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગ ઓસરતા હાજરમાં ભાવ 1.2 ટકા ઘટીને આૈંસદીઠ 3389.37 ડૉલર અને વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 3398.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 33.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકા અને ચીન વચ્ચે વાસ્તવિક ધોરણે વેપાર વાટાઘાટનો આરંભ થઈ રહ્યો હોવાથી ટ્રેડ વૉરનું જોખમ હળવું થવાના આશાવાદે સોનામાં સલામતી માટેની માગ નબળી પડતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ મેક્રોનાં હેડ ઈલ્યિ સ્પિવિકે જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટ અને ચીફ ટ્રેડ નેગોશિએટર જેમીસન ગ્રીર ચીનના આર્થિક અધિકારી હે લિફન્ગ સ્વિત્ઝર્લેન્ડ ખાતે સપ્તાહના અંતે મળશે અને ટૅરિફ અંગે ચર્ચા કરશે.
જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી ફેડરલ રિઝર્વની બેઠકનાં નિર્ણય તેમ જ ફેડરલ રિઝર્વનાં બેઠકના અંતે અધ્યક્ષ જૅરૉમ પૉવૅલની ટિપ્પણીઓ પર રહેશે. જોકે, વેપારી વર્તુળો આગામી જુલાઈ મહિના થી વર્ષ દરમિયાન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 80 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ધારણા મૂકી રહ્યા છે.

વધુમાં ભારતનાં જમ્મુ કાશ્મીરનાં પહલગામનાં આતંકી હુમલામાં 26 પર્યટકોએ ગુમાવેલા જાનનાં વળતા જવાબમાં આજે ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓનાં નવ ઠેકાણાઓ પરની 21 જગ્યાઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ સંદર્ભે પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેઓએ ભારતનાં પાંચ જેટ ફાઈટર તાડી પાડ્યા છે અને ભારતનાં આ હુમલામાં 26 નાગરીકો માર્યા ગયા હોવાનું જણાવ્યું છે. આમ ભારત-પાક વચ્ચે ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો….ચીનની અમુક અમેરિકી ઉત્પાદનોની આયાતને ટૅરિફમાંથી મુક્તિની વિચારણાએ વૈશ્વિક સોનામાં પીછેહઠ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button