ટ્રમ્પે યુરોપિયન યુનિયન પરનાં ટેરિફની મુદત લંબાવતા વૈશ્વિક સોનામાં બે સપ્તાહની ટોચેથી પીછેહઠ
રૂપિયો મજબૂત થતાં સ્થાનિક સોનામાં રૂ. 89નો ઘટાડો, ચાંદી રૂ. 801 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર પહેલી જૂનથી 50 ટકા ટૅરિફ લાદવાની ધમકી આપી હતી, પરંતુ હવે ટ્રેડ ડીલ કરવા માટેની મુદત નવમી જુલાઈ સુધી લંબાવતા આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગ ઓસરી જતાં ભાવ બે સપ્તાહની ટોચેથી પાછાં ફર્યાં હતા અને ડૉલર ઈન્ડેક્સ પણ એક મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 89નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી પણ રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે વૈશ્વિક ચાંદીમાં ટકેલું વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 801 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ખાસ કરીને ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 801 વધીને રૂ. 97,710ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયો મજબૂત થતાં મધ્યસત્ર દરમિયાન ભાવ 10 ગ્રામદીઠ રૂ. 89ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 95,000 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 95,382ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ બહેરીનમાં: આતંકવાદ મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 3337.64 ડૉલર અને વાયદામાં ભાવ એક ટકાના ઘટાડા સાથે 3336.50. ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 33.46 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યાં હતાં.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન સામેના ટૅરિફની મુદત લંબાવતા બજારે હાશકારો અનુભવતા આજે સલામતી માટેની માગ ઓસરતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતા ઉમેર્યું હતું કે હાલ સોનામાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી અસ્ક્યામતોની ચિંતાને ધ્યાનમાં લેતા ખાસ કરીને કેન્દ્રવર્તી બૅન્કોની ડૉલરને સ્થાને સોનામાં લેવાલીનો ટેકો મળતો રહે તેવી શક્યતા નકારી ન શકાય.
અગાઉ ટ્રમ્પે યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે 50 ટકા ટૅરિફ લાદવાની ધમકી આપી હતી અને ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતા ગત શુક્રવારે સોનાના વૈશ્વિક ભાવમાં બે ટકાનો ઉછાળો આવ્યો હતો,પરંતુ યુરોપિયન યુનિયનની એક્ઝિક્યુટીવ બોડીએ ટ્રેડ ડીલ માટે વધુ સમયગાળો માગતા અમેરિકાએ ટૅરિફની મુદત લંબાવતા આજે સોનામાં સલામતી માટેની માગ ઓસરી હતી. જોકે, રશિયા-યુક્રેન વચ્ચેના તણાવ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.