અમેરિકી પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ, સ્થાનિક સોનામાં ₹ ૧૯૯નો અને ચાંદીમાં ₹ ૯૪૧નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા નબળા આવ્યા બાદ હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા ઑગસ્ટ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૪૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૮થી ૧૯૯ ઘટી આવ્યા હતા.
આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવ એક તબક્કે ઘટીને ઔંસદીઠ ૨૮ ડૉલરની અંદર ઊતરી ગયાના નિર્દેશો સાથે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૪૧ના ઘટાડા સાથે રૂ. ૮૧,૩૩૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હોવાથી તેમ જ રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૮ ઘટીને રૂ. ૭૧,૦૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૯૯ ઘટીને રૂ. ૭૧,૨૯૫ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નવી લેવાલીમાં સાવચેતીના વલણ વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૨૪૮૮.૧૧ ડૉલર અને ૨૫૧૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાત અંગેનો નિર્ણય લેશે અને વ્યાજદરમાં કપાતની માત્રાનો આધાર મુખ્યત્વે આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર અવલંબિત હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું છે. જો ડેટા નબળા આવશે તો આર્થિક વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા કેપિટલ ડૉટ કૉમના વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ વ્યક્ત કરી હતી. જોકે, હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૯ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૪૧ ટકા શક્યતા ટ્રેડરો જોઈ રહ્યા છે. તેમ છતાં લાંબાગાળે સોનામાં મજબૂત વલણ જળવાઈ રહે તેવી શક્યતા રોડ્ડાએ વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે રાજકીય અને આર્થિક અનિશ્ર્ચિતતાના માહોલમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨૧ ટકાનો વધારો થયો છે તેમ જ ગત ૨૦મી ઑગસ્ટના રોજ ભાવ વધીને ઔંસદીઠ ૨૫૩૧.૬૦ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા.