ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો
ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો

મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકાના રોજગારીનાં ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી સોના- ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, પરંતુ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનાના ભાવમાં 1.6 ટકાનો અને ચાંદીના ભાવમાં 1.1 ટકાનો ઉછાળો આવ્યો હતો. વધુમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે રૂપિયામાં 30 પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ રૂપિયાના સુધારા સાથે સોનાની આયાત પડતરો ઘટવાને કારણે હાજરમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 219થી 220નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ગત શુક્રવારના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે આજે ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 407નો ઘટાડો આવ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 407ના ઘટાડા સાથે રૂ. 93,718ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન રૂપિયામાં મજબૂત વલણ રહ્યું હોવાથી વૈશ્વિક બજારથી વિપરીત 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 219 ઘટીને રૂ. 93,359 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 220 ઘટીને રૂ. 93,734ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હોવાના અહેવાલ હતા.
આજે વિશ્વ બજારમા ડૉલર ઈન્ડેક્સ 0.3 ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યા હોવાથી રોકાણકારોનું સોનામાં આકર્ષણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 3259.29 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.8 ટકા ઘટીને 3267.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 1.1 ટકાના ઊછાળા સાથે આૈંસદીઠ 32.33 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને આવતી કાલથી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકનો આરંભ થઈ રહ્યો છે અને બેઠકના અંતે વ્યાજદરમાં કપાત અંગે કોઈ દિશાનિર્દેશ આપવામાં આવે છે કે કેમ તેનાં પર બજાર વર્તુળોની નજર હોવાથી સનામાં સુધારો જોવા મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલની બેઠક અને વ્યાજદરમાં કપાતના અનુમાનો વચ્ચે આગામી બેથી ત્રણ સત્રમાં સોનામાં ભારે ચંચળતા રહેતાં ભાવ આૈંસદીઠ 3200થી 3350 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
ગત એપ્રિલ મહિનાના રોજગારના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વર્તમાન કૅલૅન્ડર વર્ષમાં વ્યાજદરમાં 80 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા ટ્રેડરો મૂકી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો માહોલ, ફુગાવામાં વૃદ્ધિ અને નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ રહેતી હોય છે. જોકે, ગત રવિવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીન સહિત ઘણાં દેશો સાથે વેપાર કરાર માટે બેઠકો થઈ રહી છે અને અમે ચીન સાથેની ડીલને અગ્રતાક્રમ આપી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત પહેલી મેથી આજ દિવસ અર્થાત પાંચમી મે સુધી ચીનની બજારો શ્રમદીનની રજાઓ નિમિત્તે બંધ રહેનાર છે.
આ પણ વાંચો…આરબીઆઇ લિક્વિડિટી વધારવા માટે સિસ્ટમમાં ₹ 40 હજાર કરોડ ઠાલવશે