નફારૂપી વેચવાલીએ વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએથી પાછું ફર્યું | મુંબઈ સમાચાર
વેપાર

નફારૂપી વેચવાલીએ વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએથી પાછું ફર્યું

રૂપિયો નબળો પડતાં સ્થાનિક સોનામાં રૂ. 270નો અને ચાંદીમાં રૂ. 320નો સાધારણ ઘટાડો


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ હેઠળ ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને નવી ઊંચી આૈંસદીઠ 3578.50 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલી નીકળતા પીછેહઠ જોવા મળી હતી. તેમ જ આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવ સપ્ટેમ્બર, 2011 પછીની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 268થી 270નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 320 ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 320ના ઘટાડા સાથે રૂ. 1,22,900ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ ઊંચા મથાળેથી જૂના સોનામાં વેચવાલીના દબાણ સામે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની શુષ્ક માગ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 268 ઘટીને રૂ. 1,05,328 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 270 ઘટીને રૂ. 1,05,751ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઊંચી સપાટીએથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં ભાવ 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 3538.56 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકાના ઘટાડા સાથે 3596.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીમાં પણ ઊંચી સપાટીએથી નફારૂપી વેચવાલીનું દબાણ વધતા ભાવ 1.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 40.85 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટૅરિફની વિરુદ્ધમાં આવશે તો યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા તથા અન્ય દેશો સાથે થયેલી ટ્રેડ ડીલ રદ કરવી પડશે. ટ્રમ્પનાં આ નિવેદન પશ્ચાત્‌‍ સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, ફેડરલ રિઝર્વનાં રેટ કટના આશાવાદ તેમ જ ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા સામેના પ્રશ્નાર્થ જોતા સોનામાં સલામતી માટેની માગને ટેકે મક્કમ વલણ જળવાઈ રહે તેવી શક્યતા ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલનાં મેનેજિંગ ડિરેક્ટર બિઆન લાને જણાવ્યું હતું.

જોકે,રોકાણકારોની નજર આવતી કાલે જાહેર થનારા અમેરિકાના જુલાઈ મહિનાના જોબ ડેટા પર હોવાથી સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં ઘણાં ફેડરલ રિઝર્વના અધિકારીઓનું માનવું છે કે વર્તમાન શ્રમ બજારની સ્થિતિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ જણાય છે. એકંદરે રેટ કટના આશાવાદ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે મક્કમ વલણ જળવાઈ રહેતાં વર્ષ 2026ના મધ્ય સુધીમાં સોનાના આૈંસદીઠ ભાવ 4000 ડૉલરની સપાટી પાર કરી જાય તેવી શક્યતા ગોલ્ડમેન સાશે વ્યક્ત કરી છે.

આપણ વાંચો:  સલામતી માટની માગને ટેકે વૈશ્વિક સોનાએ નવી ઐતિહાસિક ઊંચી સપાટી દર્શાવી..

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button