વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
લંડન: ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરી બૉન્ડની યિલ્ડમાં વધારો થવાથી તેમ જ ફેડરલ રિઝર્વ ધીમી ગતિએ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાઓ પ્રબળ બનતા સતત બે સત્ર દરમિયાન વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો દર્શાવાઈ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિકમાં ગુરુ નાનક જયંતી હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ રહ્યું હોવાથી સોનાચાંદીના ભાવની કોઈ જાહેરાત નથી થઈ.
Also read: Gold Price Today : સોનાના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો , જાણો આજના લેટેસ્ટ ભાવ
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે ઔંસદીઠ ૨૫૬૭.૮૯ ડૉલર અને ૨૫૭૨.૫૦ ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ચાર ટકા જેટલો ઘટાડો નોંધાઈ જતાં સાપ્તાહિક ધોરણે ત્રણ વર્ષ પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૩૦.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય થતાં સોનાના ભાવ પર તેની નકારાત્મક અસર પડી છે, પરંતુ જો આગામી ટૂંકા કે મધ્યમ સમયગાળામાં અનિશ્ર્ચિતતાની સ્થિતિ સર્જાતા સિનારિયો બદલાઈ શકે છે, એમ કિનેસિસ મની માર્કેટના એનાલિસ્ટ કાર્લો અલ્બર્ટો ડી કાસાએ જણાવતાં ઉમેર્યું હતું કે રોકાણકારો ટ્રમ્પની નીતિ ફુગાવાલક્ષી હોવાનો અંદાજ મૂકી રહ્યા છે. એકંદરે હાલમાં મજબૂત ડૉલર સોનામાં મંદીનું પ્રેરકબળ પુરવાર થઈ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે ટ્રમ્પનાં ટેરિફ પ્લાન ફુગાવાલક્ષી છે, પરિણામે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની ગતિ ધીમી પાડતા સોનામાં આકર્ષણ ઓછું રહેશે કેમ કે રોકાણકારોને અન્ય અસ્ક્યામતોમાં સારું વળતર છૂટશે. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ વ્યાજદરમાં કાપ મૂકવામાં ઉતાવળ કરવામાં નહીં આવે એવો અણસાર આપ્યો હોવાથી ભવિષ્યમાં હાઉસહોલ્ડ તેમ જ બિઝનૅસ માટેનો ધિરાણખર્ચ ઊંચો રહેવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.
Also read: લગ્નસરા વખતે સારા સમાચારઃ સોના-ચાંદીના ભાવ તૂટ્યા, વૈશ્વિક સોનું આઠ સપ્તાહના તળિયે
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અગાઉ ડિસેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૩ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હતા તે ટકાવારી હવે ઘટીને ૫૯ ટકા થઈ ગઈ છે. જોકે, રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના રિટેલ વેચાણના ડેટા પર સ્થિર થઈ હતી.