અમેરિકા-ચીન વેપાર વિવાદ યથાવત્ રહેતાં વૈશ્વિક સોનામાં સુધારા
સ્થાનિક સોનામાં વધ્યા મથાળેથી રૂ. 304નો અને ચાંદીમાં રૂ. 806નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ચીન વચ્ચેનો વેપાર વિવાદ અથવા તો ટૅરિફ વિવાદ યથાવત્ રહ્યો હોવાના નિર્દેશ તેમ જ આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં 0.7 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ઘટી આવ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 303થી 304નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 806નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 806ના ઘટાડા સાથે રૂ. 1,06,194ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 303 ઘટીને રૂ. 95,670 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 304 ઘટીને રૂ. 96,055ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 3344.93 ડૉલર અને 3366.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 36.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં ચાંદીના ભાવ 13 વર્ષની ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા છે અને બજારમાં તંગ પુરવઠો તથા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જોતા ચાંદીના ભાવ વધીને આૈંસદીઠ 38 ડૉલર સુધી અને શક્યતઃ 40 ડૉલર સુધી પણ પહોંચી શકે છે, એમ યુબીએસએ એક નોટ્સમાં જણાવ્યું છે.
દરમિયાન અમેરિકા અને ચીનના અધિકારીઓની વેપાર વિવાદ અંગે થયેલી વાટાઘાટોમાં બન્ને પક્ષો વેપારની ગાડી પાટે ચડાવવા માટે સહમત થયા હતા. તેમ જ ચીન ખનીજો પરનાં નિકાસ નિયંત્રણો હળવા કરવા સંમત થયું હતું. તેમ છતાં લાંબાગાળાનો કોઈ ઉકેલ આવ્યો હોય તેવા સંકેતો બહુ ઓછા હતા. તેમ જ બજાર વર્તુળો પણ એવું માની રહ્યા છે કે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થવી બહુ સરળ નહીં હોય આથી સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું એક્સિનિટી ગ્રુપનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ હેન ટૅને જણાવ્યું હતું.
વધુમાં આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અથવા તો ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે કેમ કે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા લેવાતા નીતિવિષયક નિર્ણયમાં ફુગાવાની ભૂમિકા મહત્ત્વની હોય છે. જોકે, રૉઈટર્સનાં અર્થશાસ્ત્રીઓના મતાનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વ ટ્રમ્પની ટૅરિફની નીતિઓ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અથવા તો આગામી થોડા મહિના સુધી વ્યાજદર યથાવત્ રાખશે.
આ પણ વાંચો….ચાંદીમાં વધુ રૂ. ૫૪૦ની આગેકૂચ, સોનામાં રૂ. ૧૨૧નો ધીમો સુધારો