વેપાર

ફેડરલ દ્વારા ૫૦ બેસિસ પૉઈન્ટના બમ્પર રેટ કટ સાથે વૈશ્ર્વિક સોનું નવી ટોચેથી પાછુ ફર્યુંસ્થાનિકમાં રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. પંચાવનનો ઘટાડો, ચાંદી રૂ. ૮૬૯ ચમકી


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો બમ્પર રેટ કટ કર્યો હોવાના અહેવાલ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સત્ર દરમિયાન એક તબક્કે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૯૯.૯૨ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીના દબાણે ભાવમાં પીછે હઠ જોવા મળી હતી. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ગઈકાલના બંધ સામે હાજરમાં ૦.૮ ટકાનો અને વાયદામાં ૦.૨ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૩.૪ ટકા ઉછળી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૮૬૯નો ઉછાળો આવ્યો હતો, પરંતુ સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં આયાત પડતરોમાં ઘટાડો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. પંચાવનનો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૬૯ વધીને રૂ. ૮૮,૨૭૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ડૉલર સામે રૂપિયો મજબૂત થવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારથી વિપરીત ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. પંચાવનના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨,૯૦૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૨૦૨ના મથાળે રહ્યા હતા.

ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની જાહેરાત પશ્ર્ચાત્ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના હાજર ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૫૯૯.૯૨ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં સુધારો આગળ ધપતા હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૫૭૮.૪૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૬૦૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૩.૪ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૩૧.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

ફેડરલ રિઝર્વ બેરોજગારીનો દર નીચો રાખવા માટે પ્રતિબદ્ધ હોવાથી વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવ્યો હોવાનું ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે આર્થિક પરિબળો પ્રોત્સાહક છે તેમ જ હાલનો બેરોજગારીનો ૪.૨ ટકાનો દર પણ ચિંતાજનક સ્તરે ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. તાજેતરમાં જોવા મળેલી બેતરફી વધઘટ બાદ રેટકટના નિર્ણયને પચાવીને હાલમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ પ્રવર્તી રહ્યા હોવાનું ગ્લોબલ મેક્રોનાં હેટ ઈલ્યા સ્પાઈવેકે જણાવતાં ઉમેર્યું હતું કે નીચા વ્યાજદરમાં સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણલક્ષી માગ જળવાઈ રહેતી હોય છે.

વધુમાં ઓએએનડીએનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે જણાવ્યું હતું કે વ્યાજદરમાં ઘટાડાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ વધીને ઔંસદીઠ ૨૬૪૦ ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા છે, જ્યારે વર્ષના અંત સુધીમાં ભાવ વધીને ઔંસદીઠ ૨૭૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના બેરોજગારીનાં ડેટા પર સ્થિર થઈ છે. જોકે, હવે ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૫ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૩૫ ટકા શક્યતા ટ્રેડરો જોઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button