વેપાર

કેનેડા, મેક્સિકો અને ચીનથી થતી આયાત સામે ટેરીફના અમલ પૂર્વે વૈશ્વિક સોનામાં સાવચેતીનું વલણ

સ્થાનિક સોનામાં રૂ. 497ની આગેકૂચ, ચાંદી રૂ. 475 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની જાહેરાત અનુસાર આજથી કેનેડા, મેક્સિકો અને ચીનથી થથી આયાત સામે અતિરિક્ત ટેરિફનો અમલ શરૂ થવાથી તેની સંભવિત અસરોને ધ્યાનમાં લેતા આજે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 495થી 497નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 475ની આગેકૂચ જોવા મળી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈ તરફી વલણ રહેતાં આયાત પડતરો વધવાથી સોનાના સુધારાને ટેકો મળતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 495 વધીને રૂ. 85,473 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 497 વધીને રૂ. 85,817ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 475 વધીને રૂ. 94,873ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: વેપારને પ્રોત્સાહન: 24 ચેકપોઇન્ટ 15મી એપ્રિલ સુધી બંધ થશે

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનામાં વધ્યા મથાળેથી 0.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 2892 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આૈંસદીઠ 2902.20 ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 31.71 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકામાં કેનેડા અને મેક્સિકોથી થતી આયાત સામે 25 ટકા ટેરિફ અને ચીનથી થતી આયાત સામે 10 ટકા અતિરિક્ત ટેરિફનો આજથી અમલ શરૂ થતાં ટ્રેડ વૉર શરૂ થવાથી તેની અસરોનો તાગ મેળવવા માટે આજે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Mumbai Gold Rate: સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા વચ્ચે જાણો આજના લેટેસ્ટ ભાવ?

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ટેરિફમાં વધારો થવાની અમેરિકાની આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની સાથે અમેરિકાના ટોચના ત્રણ વેપારી ભાગીદાર દેશોમાં વેપાર વિવાદ ઊભા થશે. નોંધનીય બાબત એ છે કે ચીને આગામી 10મી માર્ચથી અમેરિકાથી થતી આયાતમાં અમુક ઉત્પાદનો પર 10થી 15 ટકા અતિરિક્ત ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને અધિકૃત અમેરિકી કંપનીઓ પર નિકાસ નિયંત્રણો પણ લાદ્યાના અહેવાલ છે.

જોકે, અમેરિકાની વેપાર નીતિ ફુગાવાલક્ષી હોવાથી સોનામાં સલામતી માટેની માગને ટેકે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 10 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. એકંદરે હવે રોકાણકારોની નજર આવતીકાલે (બુધવારો) જાહેર થનારા રોજગારીના ડેટા તેમ જ શુક્રવારે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જે પી મોર્ગને સોનામાં લાંબા સમયગાળા માટે તેજીનો અંદાજ જાળવી રાખતા વર્ષ 2025ના અંત સુધીમાં વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 3000 ડૉલરની સપાટીએ પહોંચે તેવી ધારણા મૂકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button