ઝવેરી બજારમાં સોનાચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડોઃ જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક સોનાએ 3300 ડૉલરની સપાટી ગુમાવ્યા બાદ બાદ વેપારની અનિશ્ચિતતા સપાટી પર આવતા બાઉન્સબૅક

દેશમાં જ્વેલરીની માગ નબળી પડતાં સોનાની માગ પાંચ વર્ષનાં તળિયેઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3300 ડૉલરની સપાટી ગુમાવીને ગત 30મી જૂન પછીની સૌથી નીચી આૈંસદીઠ 3267.79 ડૉલર સુધી ગબડી ગયા હતા.
જોકે, ત્યાર બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટૅરિફને લગતી જાહેરાતો થતાં પુનઃ વૈશ્વિક વેપારોમાં અનિશ્ચિતતાની ભીતિ સપાટી પર આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળ્યું હતુ.
વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં 24 પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાથી મધ્યસત્ર દરમિયાન ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 600થી 603નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1655નો ઘટાડો આવ્યો હતો.
આપણ વાંચો: લગ્નગાળા વચ્ચે મધ્યમવર્ગને ઝટકો; સોનાના ભાવ રૂ.1 લાખને પાર, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
એકંદરે સોનાના ભાવ ઊંચી સપાટીએ રહેતાં વર્ષ 2025માં દેશમાં જ્વેલરીના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થતાં સોનાની વપરાશી માગ ઘટીને પાંચ વર્ષનાં તળિયે પહોંચી છે અને વર્ષ 2025માં દેશમાં સોનાની માગ વર્ષ 2020 પછીની સૌથી નીચી 600થી 700 ટન આસપાસની સપાટીએ રહેવાની શક્યતા વર્લ્ડ કાઉન્સિલે એક અહેવાલમાં વ્યક્ત કરી છે.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વિશ્વ બજારમાં ચાંદીના ભાવે આૈંસદીઠ 3800 ડૉલરની સપાટી ગુમાવી હોવાથી આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નીકળેલી નફારૂપી વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1655ના ઘટાડા સાથે રૂ. 1,11,745ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી સુધારો નોંધાવાથી આયાત પડતરો ઘટવાથી વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 600 ઘટીને રૂ. 98,020 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 603 ઘટીને રૂ. 98,414ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ, મુંબઈ ઝવેરી બજારમાં આજના સોનાના ભાવ જાણો?
દરમિયાન ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત 17 જૂન પછીની સૌથી નીચી આૈંસદીઠ 3267.79 ડૉલર સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ ટ્રમ્પનીટૅરિફ અંગેની જાહેરાતો પશ્ચાત્ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.
તેમ જ આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 3301.49 ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને 3295.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 37.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: ટ્રેડ વોરની ભીતિને લઈ વૈશ્વિક સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા
એકંદરે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે સેક્નડરી ટૅરિફની જાહેરાત કરતાં વૈશ્વિક વેપાર અંગેની ચિંતા સપાટી પર આવતાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. તેમ જ ખાસ કરીને 3300 ડૉલર આસપાસની સપાટીએ ખરીદીનું આકર્ષણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કોપરની આયાત સામે અને બ્રાઝિલથી થતી ઓછા મૂલ્યની આયાત સામે આપવામાં આવેલી મુક્તિ દૂર કરી હતી.
તેમ જ દક્ષિણ કોરિયાથી થતી આયાત સામે 15 ટકા ટૅરિફની અને ભારતથી થતી આયાત સામે શુક્રવારથી થતી આયાત સામે 25 ટકા ટૅરિફનો અમલ થશે એમ જણાવવાની સાથે ચીન સાથે ટ્રેડ ડીલ થઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા છે અને સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કપાતની શક્યતા અધ્યક્ષ પૉવૅલે નકારી કાઢી હતી.