
સ્થાનિક સોનામાં બેતરફી વધઘટે માગ રૂંધાતા ડિસ્કાઉન્ટમાં વધારો
રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડી હોવાથી ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ગત સપ્તાહના આરંભે વૈશ્વિક સોનામાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, ત્યાર બાદ સપ્તાહ દરમિયાન વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ક્ષેત્રનાં શૅરોની આગેવાની હેઠળ કડાકા બોલાઈ જવાની સાથે અમેરિકી સુપ્રીમ કોર્ટે ડૉનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી ટૅરિફની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ કર્યો હોવાથી તેમ જ અમેરિકાના ગત ઑક્ટોબર મહિનાના રોજગારીનાં ડેટા પણ બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી પુનઃ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાઓમાં વધારો થવાથી ડૉલર ઈન્ડેક્સ અને ઈક્વિટી માર્કેટની પીછેહઠ સાથે સોનામાં ઘટ્યા મથાળેથી પુનઃ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ એકંદરે માગ શાંત હતી અને છૂટાછવાયા હાથબદલાના કામકાજો રહ્યા હતા. તેમ જ ડીલરો સોનાના ભાવ આૈંસદીઠ બેથી પાંચ ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. ચીનના નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નીતિઓ અનુસાર ચીને ગત પહેલી નવેમ્બરથી સોનાના રિટેલરો માટે લાંબા સમયગાળાથી ચાલી રહેલી કર મુક્તિની નીતિનો અંત આણ્યો હતો અને તેને છ ટકા સુધી ઘટાડવામાં આવી હતી આ નીતિ આગામી 31મી ડિસેમ્બર, 2027 સુધી અમલી રહેશે. વધુમાં ચીનમાં નવી વેરા નીતિ મૂલ્ય વર્ધિત કર (વૅલ્યૂ એડેડ ટૅક્સ-વેટ)નો અમલ થવાને કારણે પણ હાજર બજારમાં માગ સુસ્ત રહી હતી. જોકે, તેને કારણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હેઠળની માગ પર કોઈ માઠી અસર નથી પડી એમ ગે્રટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું.
આ પણ વાંચો: ડૉલર મજબૂત થતાં વિશ્વ બજાર પાછળ ધાતુમાં નરમાઈ
વાસ્તવમાં હાલના તબક્કે રોકાણકારોની નજર ચીન તથા ભારતની અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર મંડાઈ છે. જોકે, અમેરિકી વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી ટૅરિફની કાયદેસરતા સામે સુપ્રીમ કોર્ટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હોવાથી ભારત તથા ચીન સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની રાહ જોઈ રહ્યા હોવાથી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ વિલંબિત થઈ રહી હોવાનું અમુક બજાર વર્તુળોનું માનવું છે.
એકંદરે સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે જોવા મળેલી બેતરફી વધઘટને ધ્યાનમાં લેતા સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, ગત બુધવારે ગુરુ નાનક જયંતી નિમિત્તે બજાર સત્તાવાર ધોરણે બંધ રહેતાં એકંદરે કામકાજના સત્ર માત્ર ચાર જ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે દેવ ઊઠી એકાદશી હતી અને સામાન્યપણે દેવઊઠી એકાદશી પછી લગ્નસરાની મોસમ શરૂ થતી હોય છે. જોકે, આ બેતરફી વધઘટમાં સ્થાનિક જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરનાં ખરીદદારોએ નવી ખરીદી મોકૂફ રાખી હોવાથી ગત સપ્તાહે ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતા સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટમાં વધારો થયો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આગલા સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 12 ડૉલર આસપાસનાં ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે 14 ડૉલરમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 31મી ઑક્ટોબરનાં 10 ગ્રામદીઠ રૂ. 1,20,770ના બંધ સામે રૂ. 1,21,113ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં 1,19,916 અને ઉપરમાં રૂ. 1,21,113ની રેન્જમાં રહ્યા બાદ અંતે 1,20,100ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે 0.55 ટકાનો અથવા તો 10 ગ્રામદીઠ રૂ. 670નો ઘટાડો નોંધાયો હતો. નવી દિલ્હી સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે ગયા મહિનામાં ધનતેરસ અને દિવાળી જેવાં સપરમાં દહાડાઓમાં સોનામાં રોકાણલક્ષી માગ મુખ્ય પરિબળ રહ્યું હતું, જ્યારે હવે રોકાણકારો પણ સાઈડલાઈન થયા હોવાનું જણાય છે.જોકે, હવે બજાર વર્તુળોની નજર લગ્નસરાની મોસમની માગ પર સ્થિર થઈ છે.
આ પણ વાંચો: ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનાએ પુનઃ 4000 ડૉલરની સપાટી અંકે કરી
એકંદરે સપ્તાહના આરંભે વૈશ્વિક સોનામાં નરમાઈનું વલણ રહ્યા બાદ ખાસ કરીને અમેરિકાના ખાનગી ક્ષેત્રના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 9-10 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં પુનઃ 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હતી. નોંધનીય બાબત એ છે કે અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન અપેક્ષા કરતાં વધુ ઐતિહાસિક લાંબા સમય સુધી ચાલુ રહ્યું હોવાથી સરકારી ડેટાઓની જાહેરાત વિલંબમાં મુકાઈ રહી છે. ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવેલા સર્વેક્ષણોમાં એવું ફલિત થયું હતું કે કંપનીઓ દ્વારા લેવામાં આવેલા ખર્ચમાં કપાતના પગલાં તેમ જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વ્યાપકપણે થઈ રહેલી સ્વીકૃતિની માઠી અસર શ્રમ બજાર પર પડી રહી છે. વધુમાં અમેરિકી ઈક્વિટી માર્કેટમાં એઆઈ ક્ષેત્રનાં શૅરોમાં ઊંચા વૅલ્યુએશનને કારણે ટૅક્નોલૉજી ક્ષેત્રના શૅરોની આગેવાની હેઠળ બજારમાં કડાકા બોલાઈ રહ્યા હોવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્વિક વેપારોમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાનો પણ સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો છે. અમારા મતાનુસાર આગામી સપ્તાહે રેટ કટના આશાવાદ સાથે વૈશ્વિક સોનાના ભાવની રેન્જ આૈંસદીઠ 4120થી 4180 ડૉલર આસપાસની રહી શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,17,800થી 1,24,500 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહના અંતે ખાસ કરીને લંબાઈ રહેલા અમેરિકી શટડાઉનની ચિંતા, ખાનગી ક્ષેત્રનાં રોજગારીના નબળા ડેટા, ફેડરલ રિઝર્વ દ્વારા ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કાપ નો આશાવાદ અને ચીને મહત્ત્વપૂર્ણ ખનીજોની નિકાસ માટેનાં નિયંત્રણો હળવા કરવાની દિશામાં આરંભ કર્યો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 4005.21 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને 4009.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 48.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી શટડાઉનને કારણે સરકારી ડેટાઓ વિલંબિત થઈ રહ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત માટે મુખ્યત્વે ખાનગી ડેટાઓ પર જ આધાર રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 66 ટકા ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા હોવાથી સોનાના સુધારાને ટેકો મળી રહ્યો છે. વધુમાં ચીન મહત્ત્વના ખનીજોની નિકાસ માટેના નિયમનો હળવા કરી રહ્યું હોવાથી શિપમેન્ટો વહેલાસર શરૂ થવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે, વૉશિંગ્ટનની અપેક્ષાનુસાર ચીન સંપૂર્ણપણે નિયંત્રણો દૂર કરે તેવી શક્યતા અત્યંત પાતળી હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવી રહ્યા છે. આમ એકંદરે સપ્તાહ દરમિયાન સોનામાં સલામતી માટેની માગને ટેકે મક્કમ વલણ જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.



