વેપાર

વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચે પહોંચતા સ્થાનિકમાં રૂ. 230ની અને ચાંદીમાં રૂ. 528ની આગેકૂચ

ભારતની રશિયાથી ખરીદી સામે ટ્રમ્પની ટૅરિફ વધારાની ધમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે શ્શ્વિ બજારમાં ડૉલર ઈન્ડેક્સ એક સપ્તાહની નીચી સપાટી આસપાસ પહોંચવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ એક મહિનાના તળિયે પહોંચવાથી તેમ જ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ભારતની રશિયાથી થઈ રહેલી ખરીદીને ધ્યાનમાં લેતાં ભારતથી થતી આયાત સામે ટૅરિફમાં હજુ વધારો કરવાની ધમકી ઉચ્ચારી હોવાથી વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા સપાટી પર રહેતાં ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ ઊંચી સપાટીએ ટકેલા રહ્યા હોવા છતાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 229થી 230ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 528ની આગેકૂચ જળવાઈ રહી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની જળવાઈ રહેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ભાવ કિલોદીઠ રૂ. 528 વધીને રૂ. 1,12,428ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયામાં પીછેહઠ જળવાઈ રહેતાં આયાત પડતરો વધવાથી વેરારહિત ઘોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂ. 229 વધીને રૂ. 99,995 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 230 વધીને રૂ. 1,00,397ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી માત્ર રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી હતી. આ સિવાય જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવ ગત 24 જુલાઈ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3369.25 ડૉલર અને વાયદામાં ભાવ 3423.20ની સપાટીએ તથા હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 37.38 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સ એક સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ એક મહિનાની નીચી સપાટીએ પહોંચી હોવાના અહેવાલ હતા.

એકંદરે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવવાની સાથે ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર જળવાઈ રહેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સર્જાતા સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર પણ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી 90 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.

સામાન્યપણે રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા તથા નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ રહેતી હોય છે. દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ભારતની રશિયાથી થઈ રહેલી તેલની ખરીદીને ધ્યાનમાં લેતાં ભારતથી થતી આયાત સામેની ટૅરિફમાં વધારો કરવાની ધમકી આપી હતી, જ્યારે નવી દિલ્હીએ ટ્રમ્પની ટિપ્પણીને અન્યાયી લેખાવાની સાથે ભારત આર્થિક હિતો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હોવાથી ખટરાગ વધુ ઘેરો બનતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું વૉન્ગે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને વ્યાજદરમાં કપાતની આશા પર પાણી ફરી વળતા

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button