ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિને કારણે ટ્રેડ વૉરની ભીતિ સપાટીએઃ વૈશ્વિક સોનું નવી ટોચે…
સ્થાનિકમાં ચાંદીએ ફરી રૂ. એક લાખની સપાટી કુદાવી, શુદ્ધ સોનું રૂ. 889 ઝળકીને રૂ. 89,000ની પાર

મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફની નીતિને કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર સર્જાવાની ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં એક તબક્કે સોનાના ભાવ વધીને 3086.21 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ સાધારણ નીચે આવ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ઊંચી સપાટીએ ટકેલા રહ્યાના અહેવાલ હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 885થી 889નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ 10 ગ્રામદીઠ રૂ. 89,000ની સપાટી કુદાવી હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 32 પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 1159ની તેજી આવી હતી અને ભાવ એક લાખની સપાટી કુદાવી ગયા હતા.
આ પણ વાંચો: ભલે શેરમાર્કેટમાં ધમાસાણ હોય તો પણ એફડી કરતા સારું વળતર મળ્યું…
બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1159ના ઉછાળા સાથે ફરી રૂ. એક લાખની સપાટી વટાવીને રૂ. 1,00,934ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 885 વધીને રૂ. 88,948ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 889 વધીને રૂ. 89,306ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની આગામી બીજી એપ્રિલથી અમલી થનારી રેસિપ્રોકલ ટેરિફની નીતિને કારણે વૈશ્વિક બજારમાં ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સલામતી માટેની માગને ટેકે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3086.21 ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને 3083.33 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બે ટકાનો ઉછાળો આવ્યો છે. તેમ જ વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 3092.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલની ઊંચી આૈંસદીઠ 34.41 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા.
આ પણ વાંચો:ઓપિનિયન: શીન ચેંગની અદ્ભુત સફળતા એ એક વાત સાબીત કરી છે કે…
અમેરિકાની વેપાર નીતિ અને તેની નાણાનીતિ પર પડનારી સંભવિત અસરો તથા રાજકીય-ભૌગોલિક તણાવ જેવા કારણોસર સોનામાં સલામતી માટેની માગને ટેકે તેજીનો પવન ફૂંકાયો હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સોનામાં આૈંસદીઠ 3100 ડૉલરની સપાટી નવો માઈલ સ્ટોન પુરવાર થશે.
તાજેતરમાં ટેરિફની અનિશ્ચિતતા, ઓછા રેટ કટની શક્યતા, રાજકીય-ભૌગોલિક વિવાદો અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીએ સોનામાં તેજીનું ઈંધણ પૂરતા ભાવ આૈંસદીઠ 3000 ડૉલરની સપાટી પાર કરી ગયા છે.
હજુ ટેરિફના અમલ પશ્ચાત્ બીજા દેશો કેવાં પગલાં લેશે તેના પર બજાર મીટ માંડીને બેઠુ હોવાનું મારેકસનાં વિશ્લેષક એડવર્ડ મેઈરે જણાવ્યું હતું. તે જ પ્રમાણે બીએમઆઈના વિશ્લેષકે પણ અમેરિકી ટેરિફની અનિશ્ચિતતા, વેપારી તણાવ, રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચેના લશ્કરી વિવાદો, ફુગાવામાં વધારા અને બૃહદ આર્થિક અનિશ્ચિતતા જેવા પરિબળોને ધ્યાનમાં લેતા સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. જાકે, આજે બજાર વર્તુળોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.