ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ વધતાં વૈશ્વિક સોનું ચાર મહિનાની ટોચે અને ચાંદીએ 40 ડૉલરની સપાટી કુદાવી
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 2404ની આગઝરતી તેજી સાથે ભાવ 1.04 લાખની પાર, ચાંદી રૂ. 5678 કુદાવીને રૂ. 1.23 લાખની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકા ખાતે જાહેર થયેલો જુલાઈ મહિનાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં અપેક્ષાનુસાર માસાનુમાસ ધોરણે 0.2 ટકાનો અને વર્ષાનુવર્ષ ધોરણે 2.6 ટકાનો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશ, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત સાન ફ્રાન્સિસ્ક્ો ફેડનાં પ્રમુખે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકવો જોઈએ એવી ટિપ્પણી કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ 1.2 ટકાના ઉછાળા સાથે ચાર મહિનાની ટોચે પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવે પણ 2.2 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 40 ડૉલરની સપાટી કુદાવી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો વધવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી હતી, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2394થી 2404ની તેજી સાથે રૂ. 1.04 લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 5678ના ઉછાળા સાથે રૂ. 1.23 લાખની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક બજારની તેજીના અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2394 ઉછળીને રૂ. 1,04,372ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2404ની તેજી સાથે રૂ. 1,04,792ના મથાળે રહ્યા હતા. જોકે, આગઝરતી તેજીના માહોલમાં રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગમાં સૂનકાર વ્યાપી ગયો હતો. વધુમાં આજે મધ્યસત્રમાં 999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહી હતી. તેમ છતાં વિશ્વ બજાર પાછળ ભાવ કિલોદીઠ રૂ. 5678ના ઉછાળા સાથે રૂ. 1,23,250ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે રેટ કટના આશાવાદ સાથે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.2 ટકા વધીને ગત 23મી એપ્રિલ પછીની ઊંચી આૈંસદીઠ 3486.86 ડૉલરની સપાટી આસપાસ અને વાયદામાં ભાવ 1.1 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 3554.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.2 ટકાની તેજી સાથે સપ્ટેમ્બર, 2011 પછીની સૌથી ઊંચી આૈંસદીઠ 40.56 ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે બજારમાં રેટ કટનો આશાવાદ અને અમેરિકા ખાતે જાહેર રજાને કારણે બૅન્કો બંધ હોવાથી પ્રવાહીતાની ખેંચ વચ્ચે સોનાન અને ચાંદીની તેજીને ઈંધણ મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. વધુમાં ગત શુક્રવારે સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલેએ અમેરિકામાં જુલાઈ મહિનામાં ફુગાવામાં વૃદ્ધિ અપેક્ષાનુસાર ધીમી રહી હોવાથી વ્યાજદરમાં કાપ મૂકવાનો અવકાશ છે અને ફેડરલે હળવી નાણાનીતિ અપનાવવી જોઈએ એવી ટિપ્પણી કરી હોવાથી તેમ જ અમેરિકાની અપિલ કોર્ટે પણ ટ્રમ્પની ટૅરિફ ગેરકાયદેસરની હોવાનું જણાવતાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્લેષક મેટ્ટ સમ્પિસને જણાવ્યું હતું. જોકે, ગઈકાલે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે કોર્ટે ટૅરિફને ગેરકાયદે ગણાવી હોવા છતાં ટ્રમ્પનું વહીવટીતંત્ર વેપારી ભાગીદાર દેશો સાથે વાટાઘાટો ચાલુ રાખશે.
આપણ વાંચો: કોમોડિટી: આ કારણોસર વૈશ્વિક સોનામાં થયો છે ઉછાળો…