વેપાર

વૈશ્ર્વિક સોનું છ મહિનાની ટોચે પહોંચતા સ્થાનિકમાં ₹ ૪૭૬નો ચમકારો, ચાંદી ₹ ૧૮૪૩ ઝળકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરે તેવી શક્યતા પ્રબળ બનતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સોનાના ભાવમાં સતત બીજા સત્રમાં સુધારો આગળ ધપ્યો હતો અને ભાવ છ મહિનાની ઊંચી સપાટી સુધી પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં ઉછાળો આવ્યો હતો. ગઈકાલે સ્થાનિક બજાર ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહી હોવાથી તેજી વેગીલી રહી હતી.

આજે સ્થાનિકમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૪થી ૪૭૬ની તેજી આવી હતી. જોકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ઉછાળો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૮૪૩ના ચમકારા સાથે રૂ. ૭૪,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વિશ્ર્વ બજારમાં ચાંદીમાં તેજી આવ્યા બાદ આજે લંડન ખાતે હાજર ભાવમાં સુધારો ધીમો રહ્યો હોવા છતાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૮૪૩ વધીને રૂ. ૭૪,૮૮૯ના મથાળે રહ્યા હતા.

તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૪ વધીને રૂ. ૬૧,૬૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭૬ વધીને રૂ. ૬૧,૯૧૩ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરશે તથા વહેલા મોડા વ્યાજદરમાં કપાતની શરૂઆત થાય તેવા આશાવાદ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ગત ૧૬મી મે પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે પણ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૧૫.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૦૧૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૪.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરનાં અમેરિકાના જાહેર થયેલા આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવો રોકાણકારોમાં આશાવાદ છે. તેમ છતાં હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા પર સ્થિર થઈ હોવાથી થોડાઘણાં અંશે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button