અમેરિકાનાં આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચેથી પાછું ફર્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવ વધીને ગત 14 નવેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે અમેરિકાનાં સપ્ટેમ્બર મહિનાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1804થી 1811નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2670નો ચમકારો આવ્યો હતો.
આપણ વાચો: સોનાના ભાવમાં ચંચળતા વચ્ચે ભારત સહિત એશિયન બજારમાં માગ નિરસ
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ગઈકાલના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2670ના ચમકારા સાથે રૂ. 1,56,320ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હતો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી.
તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહી હતી. તે જ પ્રમાણે સોનામાં પણ વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1804 વધીને રૂ. 1,24,618ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1811 વધીને રૂ. 1,25,119ના મથાળે રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી.
આપણ વાચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4130.51 ડૉલર અને વાયદામાં ભાવ 0.8 ટકા ઘટીને 4127.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 51.24 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલના તબક્કે ડૉલર ઈન્ડેક્સ છ મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતર વધવાને કારણે સોનામાં માગ રૂંધાઈ રહી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી કપાત ક્યારે કરશે તેની આકારણી રોકાણકારો કરી રહ્યા છે. વધુમાં અમેરિકી શટડાઉનને કારણે આર્થિક ડેટાની જાહેરાત વિલંબથી થઈ રહી હોવાથી બજારમાં ચંચળતા વધી રહી હોવાનું વિસ્ડમ ટ્રીના વિશ્લેષક નિતેશ શાહે જણાવતાં ઉમેર્યું હતું કે આજે પણ સોનામાં ઝડપી ઉછાળા પશ્ચાત્ પૂલબેક જોવા મળ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહે તો વર્ષ 2026ના અંત સુધીમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4700 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.



