વૈશ્વિક સોનું એક મહિનાના તળિયેઃ સ્થાનિક સોનું રૂ. 2375ના કડાકા સાથે રૂ. 92,000ની અંદર, ચાંદી રૂ. 2297 ગબડી

મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર શાંત પડતાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ગત 10 એપ્રિલ પછીના તળિયે પહોંચ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે ભાવમાં વધુ 1.1 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ 1.1 ટકા જેટલાં ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2375થી 2375નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 92,000ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. તેમ જ ચાંદી પણ કિલોદીઠ રૂ. 2297 ગબડી ગઈ હતી.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ લેવાલી ખપપૂરતી રહેતાં વેરા રહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 2365ના ઘટાડા સાથે રૂ. 94,103ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીમાં નિરસતા તથા જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ રહેતાં વેરા રહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2365ના કડાકા સાથે રૂ. 91,118 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2375ના ઘટાડા સાથે રૂ. 91,484ના મથાળે રહ્યા હતા.
વિશ્વના બે મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીન ટૅરિફના દર ઘટાડવાની સાથે 90 દિવસ સુધી ટ્રેડ વૉરને વિરામ આપવા માટે સહમત થતાં સલામતી માટેની માગ ઓસરી જતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ઈંક 10 એપ્રિલ પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 3144.51 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકા ઘટીને 3146.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા ઘટીને આૈંસદીઠ 31.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં અમેરિકા અને ચીન વચ્ચે ટૅરિફ અંગેની વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ ધપી રહી હોવાથી સોનામાં સલામતી માટેની માગ ઘટતાં ભાવ દબાણ હેઠળ રહેતાં હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝના વિશ્લેષક જિગર ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના રિટેલ ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવ્યા બાદ જો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પણ જો સારા આવે અને ડૉલર ઈન્ડેક્સ બાઉન્સબૅક થતાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી શકે છે. તેમ જ વ્યાજદરમાં કપાતના નિર્ણય અંગે ફેડરલ રિઝર્વ વધુ સ્પષ્ટ નિર્દેશ આપી શકે, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, બજાર વર્તુળોની નજર પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પશ્ચાત્ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર પણ મંડાયેલી રહેશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં અમેરિકી ફેડરલ રિઝર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટૅરિફ નીતિઓ અને ભાગીદાર દેશો સાથે થઈ રહેલી વેપાર કરાર માટેની વાટાઘાટોની આકારણી કરી રહ્યું છે. તેમ છતા હાલમાં બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ ઑક્ટોબર મહિનાથી વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ધારણા મૂકી રહ્યા છે.
આ પણ વાંચો….અમેરિકા-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ