વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને નિરસ કામકાજે દેશી-આયાતી તેલમાં નરમાઈ

મથકો પાછળ સિંગતેલમાં રૂ. 40નો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 100 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ 47 રિંગિટ ઘટી આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને ભાવમાં વધુ ઘટાડાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં 10 કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. 15 અને સોયા રિફાઈન્ડ તથા સન રિફાઈન્ડમાં રૂ. 10 ઘટી આવ્યા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 100 અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 75 ઘટી આવ્યાના અહેવાલે સ્થાનિકમાં સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 40નો અને કપાસિયા રિફાઈન્ડ તથા સરસવમાં અનુક્રમે રૂ. 20 અને રૂ. 10 ઘટી આવ્યા હતા.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1230, સોયા રિફાઈન્ડના રૂ. 1275 અને સન રિફાઈન્ડના રૂ. 1505, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1236 અને સોયા રિફાઈન્ડના રૂ. 1266 તથા ગોકુલ એગ્રોના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1270, રૂ. 1275 અને રૂ. 1280 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર નિરસ રહ્યા હતા અને માત્ર છૂટાછવાયા રવાનગીના કામકાજ થયા હતા.
વધુમાં આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 35,000 ગૂણી અને ગઈકાલની શેષ 60,000 ગૂણી મળી કુલ 95,000 ગૂણીની આવક અને રાજકોટ મથકે ગઈકાલની શેષ 65,000 ગૂણીના વેપાર મણદીઠ રૂ. 1050થી 1350માં થયા હતા.
દરમિયાન હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1245, સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1480, સિંગતેલના રૂ. 1500, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1300 અને સરસવના રૂ. 1510ના મથાળે રહ્યા હતા. જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 100 ઘટીને રૂ. 2300માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 75 ઘટીને રૂ. 1435માં થયાના અહેવાલ હતા.



