વેપાર

ઑક્ટોબરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીઃ જીજેઈપીસી…

મુંબઈઃ ગત ઑક્ટોબર મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ ઑક્ટોબર, 2024નાં 312.252 કરોડ ડૉલર (રૂ. 26,237.1 કરોડ) 30.57 ટકા ઘટીને 216.805 કરોડ ડૉલર (19,172.89 કરોડ)ની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

એકંદરે ગત 27મી ઑગસ્ટથી અમેરિકી ટૅરિફ અમલી થવાની હોવાથી તહેવારોની મોસમને ધ્યાનમાં લેતા ઘણાંએ સ્ટોક કરવા માટે આગોતરી ખરીદી કરી લીધી હોવાથી ઑક્ટોબરમાં માગ શુષ્ક રહી હતી. તેમ જ સોના અને ચાંદીના ભાવમાં ભારે ચંચળતાનું વલણ રહેવાથી નિકાસ પર માઠી અસર પડી હોવાનું કાઉન્સિલના ચેરમેન કિરિટ ભણસાળીએ પીટીઆઈને જણાવતા ઉમેર્યું હતું કે ચીનની બજારોમાં સુધારો જોવા મળી રહ્યો છે અને અન્ય બજારોમાં ક્રિસમસ પૂર્વેની માગ પણ ખૂલે તેમ હોવાથી નવેમ્બર મહિનામાં નિકાસ વૃદ્ધિ જોવા મળી શકે છે.

કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑક્ટોબર મહિનામાં કટ અને પૉલિશ્ડ ડાયમંડની નિકાસ ઑક્ટોબર, 2024ના 140.485 કરોડ ડૉલર (રૂ. 11,806.45 કરોડ) સામે 26.97 ટકા ઘટીને 102.599 કરોડ ડૉલર (રૂ. 9071.41 કરોડ)ની સપાટીએ અને પૉલિશ્ડ લૅબગ્રોન ડાયમંડની નિકાસ ઑક્ટોબર, 2024નાં 14.496 કરોડ ડૉલર (1218.25 કરોડ) સામે 34.90 ટકા ઘટીને 9.437 કરોડ ડૉલર (રૂ. 834.45 કરોડ)ની સપાટીએ રહી હતી.

વધુમાં સોનાનાં આભૂષણોની નિકાસ ઑક્ટોબર, 2024નાં 118.734 કરોડ ડૉલર (રૂ. 9975.17 કરોડ) સામે 28.4 ટકા ઘટીને 85.015 કરોડ ડૉલર (રૂ. 7520.34 કરોડ)ની સપાટીએ અને ચાંદીનાં આભૂષણોની નિકાસ ઑક્ટોબર, 2024નાં 14.505 કરોડ ડૉલર (રૂ. 1219.01 કરોડ) સામે 16 ટકા ઘટીને 12.137 કરોડ ડૉલર (રૂ. 1072.81 કરોડ)ની સપાટીએ રહી હતી.

તેમ જ રંગીન રત્નોની ગત એપ્રિલથી ઑક્ટોબર સુધીની નિકાસ ગત સાલના સમાનગાળાના 25.842 કરોડ ડૉલર (રૂ. 2163.52 કરોડ) સામે 3.21 ટકા ઘટીને 25.014 કરોડ ડૉલર (રૂ. 2173.08 કરોડ)ની સપાટીએ રહી હોવાનું કાઉન્સિલે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button