વિદેશી ફંડોએ ભારતીય બજારમાં છ મહિનામાં એક લાખ કરોડ રૂપિયાના શૅર વેચી નાખ્યા

મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી એક વખત નેટ સેલર્સ બન્યા છે. ઉપલબ્ધ ડેટા અનુસાર જૂનમાં ઇક્વિટીમાંથી રૂ. 8,749 કરોડ પાછા ખેંચીને એફઆઇઆઇ ચોખ્ખા વેચાણકર્તા બન્યા છે. ડિપોઝિટરીઝના ડેટા દર્શાવે છે કે મે મહિનામાં રૂ. 19,860 કરોડ અને એપ્રિલમાં રૂ. 4,223 કરોડના ચોખ્ખા રોકાણને બાદ આ વેચવાલી જોવા મળી છે. નવીનતમ ઉપાડ સાથે, 2025માં અત્યાર સુધીમાં કુલ આઉટફ્લો રૂ. 1.01 લાખ કરોડ પર પહોંચી ગયો છે.
મે મહિનામાં આશ્ર્ચર્યજનક રકમનું રોકાણ કર્યા પછી, વિદેશી રોકાણકારો આ મહિનાના પહેલા અઠવાડિયામાં ભારતીય ઇક્વિટી બજારોમાંથી રૂ. 8,749 કરોડના ઉપાડ સાથે ચોખ્ખા વેચાણકર્તા બન્યા છે. બજારના અભ્યાસુઓ અનુસાર યુએસ-ચીન વેપાર તણાવ ફરી સપાટી પર આવવા સાથે યુએસ બોન્ડ યીલ્ડમાં નોંધાઇ રહેલા વધારાનેે કારણે આ પરિવર્તન આવ્યું છે.
ડિપોઝિટરીઝના ડેટા દર્શાવે છે કે મે મહિનામાં રૂ. 19,860 કરોડ અને એપ્રિલમાં રૂ. 4,223 કરોડના ચોખ્ખા રોકાણ બાદ આ અવગતિ જોવા મળી છે. આ પહેલા, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ માર્ચમાં રૂ. 3,973 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 34,574 કરોડ અને જાન્યુઆરીમાં રૂ. 78,027 કરોડ પાછા ખેંચી લીધા હતા.
બજારના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, આ મંદીનો માહોલ અમેરિકા-ચીન વેપાર તણાવ અને વધતા યુએસ બોન્ડ યીલ્ડને કારણે ઉભો થયો હતો, જેના કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ આગળ વધ્યા હતા. આ ઉપરાંત, અદાણી ગ્રુપ દ્વારા ઇરાન પર કથિત પ્રતિબંધ ઉલ્લંઘન અંગે યુએસ તપાસથી રોકાણકારોનો વિશ્ર્વાસ વધુ ઘટ્યો અને મુખ્ય ઇક્વિટી સૂચકાંકો નીચે ગબડ્યા હતા.
જોકે, રિઝર્વ બેન્ક દ્વારા અણધારી નાણાકીય કાર્યવાહીમાં 50 બેસિસ પોઈન્ટ રેપો રેટમાં ઘટાડો અને સીઆરઆર (કેશ રિઝર્વ રેશિયો)માં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર થવાથી બજારના સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ ડીલમાં સકારાત્મક સુધારાની સંભાવનાઓ અંધકારમય દેખાઈ રહી છે, ત્યારે ભારત એક સ્થિતિસ્થાપક અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે, જે નાણાકીય વર્ષ 2026માં છ ટકાથી વધુ વૃદ્ધિ આપી શકે છે. એકમાત્ર ચિંતા ઊંચા મૂલ્યાંકન છે જે તેજીને ચાલુ રાખવા માટે વધુ અવકાશ છોડતું નથી.
આપણ વાંચો: શિવ રહસ્ય : અહિંસા, સદાચાર ને સુવ્યવહાર કદી વ્યર્થ જતો નથી
ઇક્વિટી ઉપરાંત, એફપીઆઇએ બેથી છ જૂન દરમિયાન ડેટ જનરલ લિમિટમાંથી 6,709 કરોડ રૂપિયા અને ડેટ વોલેન્ટરી રીટેન્શનમાંથી 5,974 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા. યુએસ અને ભારતીય બોન્ડ વચ્ચે બોન્ડ યીલ્ડમાં ઓછો તફાવત હોવાને કારણે તેઓ ડેટ માર્કેટમાં પણ સતત વેચાણ કરી રહ્યા છે.



