વિદેશી હૂંડિયામણની અનામતમાં 5.54 અબજનો ઉછાળો

મુંબઈઃ ગત 14મી નવેમ્બરનાં રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને સોનાની અનામતમાં વધારો થવાથી કુલ વિદેશી હૂંડિયામણની અનામત 5.543 અબજ ડૉલર વધીને 692.576 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 2.699 અબજ ડૉલરના ઘટાડા સાથે 687.034 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 15.2 કરોડ ડૉલર વધીને 562.29 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં મુખ્ય ચલણો સામે સપ્તાહ દરમિયાન રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 5.327 અબજ ડૉલર વધીને 106.857 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આ સિવાય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 5.6 કરોડ ડૉલર વધીને 18.65 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 80 લાખ ડૉલર વધીને 4.779 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.
આપણ વાંચો: કૃષિ ક્ષેત્ર 10 વર્ષ સુધી ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશેઃ નિતિ આયોગ



