વિદેશી હૂંડિયામણની અનામતમાં એક અબજ ડૉલરનો વધારો

મુંબઈઃ ગત પાંચમી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત 1.033 અબજ ડૉલર વધીને 687.26 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 1.877 અબજ ડૉલરના ઘટાડા સાથે 556.88 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 15.1 કરોડ ડૉલરના ઘટાડા સાથે 556.88 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયના યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
આપણ વાચો: વિદેશી હૂંડિયામણની અનામત 4.47 અબજ ડૉલર ઘટી
વધુમાં સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 9.7 કરોડ ડૉલર ઘટીને 4.675 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે સોનાની અનામત 1.188 અબજ ડૉલર વધીને 106.98 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 9.3 કરોડ ડૉલર વધીને 18.721 અબજ ડૉલરના સ્તરે રહ્યા હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.



