વેપાર

આ સપ્તાહે પાંચ આઇપીઓનું લિસ્ટિંગ, મેઇનબોર્ડમાં પાઇપલાઇન ખાલી

નિલેશ વાઘેલા

મુંબઇ: આ સપ્તાહે ટાટા ટેક્નોલોજીસના સહિત પાંચ આઇપીઓનું લિસ્ટિંગ જોવા મળશે. જોરદાર હલચલ સાથે પાછલા સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં આ અઠવાડિયે શાંતિનો માહોલ રહેશે, કારણ કે આગામી ચાર સત્રમાં મેઇનબોર્ડ પર એકે આઇપીઓ કતારમાં નથી.
સોમવારે ગુરુ નાનક જંયતિ નિમિત્તે શેરબજાર બંધ રહ્યું છે, પરંતુ ગયા અઠવાડિયે દલાલ સ્ટ્રીટમાં પ્રવેશેલા પાંચ આઇપીઓના શેર લિસ્ટેડ થતા શેરબજારમાં સારી હલચલ જોવા મળશે. આ પૈકી ટાટા ટેક્નોલોજીસની સૌથી વધુ પ્રતિક્ષા છે. ગ્રે માર્કેટમાં તેની ઊંચા પ્રીમિયમ જોતા સંભવિત બમ્પર ઉછાળા પર રોકાણકારો અને વિશ્ર્લેષકોની ખાસ નજર રહી છે.
એ નોંધવું રહ્યું કે, ટાટા ટેકનોલોજીના આઇપીઓને વિક્રમી ૬૯.૪૩ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. ટાટા ટેકના આઇપીઓને લગભગ ૭૪ લાખ જેટલી રેકોર્ડ અરજીઓ મળી છે. ખાનગી ક્ષેત્રની કોઇપણ કંપનીને આટલી અરજી મળી નથી. અગાઉ, જાહેર ક્ષેત્રની એલઆઇસીને સૌથી વધુ ૭૩.૩૮ લાખ આઇપીઓ અરજીઓ મળી હતી.
ટાટા ટેકનોની ફાળવણી પ્રક્રિયા ૩૦મી નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જ્યારે સરકારી માલિકીની કંપની ઇરેડાનું લિસ્ટિંગ મંગળવારે થવાની ધારણા છે. આ શેરમાં પણ અનલિસ્ટેડ માર્કેટમાં પ્રીમિયમ બોલાઇ રહ્યું હોવાની બજારમાં ચર્ચા છે. જ્યારે લિસ્ટિંગની કતારમાં ઉભેલી અન્ય ત્રણ કંપનીઓમાં ફેડબેન્ક ફાઇનાન્શિયલ, ગાંધાર ઓઇલ અને ફ્લેર રાઇટિંગનો સમાવેશ થાય છે.
પ્રાઇમરી માર્કેટમાં ૨૨ નવેમ્બરે એકસાથે પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. નોંધવાની વાત એ છે કે, એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સનો ચારે ભરણા માટે સારો ઉત્સાહ જોવા મળ્યો છે. મૂડીબજારમાં પ્રવેશેલા ટાટા ટેકનોલોજીસ લિમિટેડનું ભરણું ૨૪ નવમેબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૬૯.૪૩ ગણું ભરાયું છે. નોંધવા જેવી બાબત એ છે કે, આ ભરણાંને ૭૩,૫૮,૧૫૯ બિડ મળી છે. ખાનગી કંપનીઓ માટે આ એક રેકોર્ડ છે કારણ કે બીજા મોટાભાગના સફળ આઇપીઓમાં ત્રીજા દિવસ સાથે ૩૦ લાખથી વધુ અરજી મળી હતી.
એલઆઇસીને ૭૩.૩૮ લાખ અરજી મળી હતી. રિલાયન્સ પાવરને ૪૮ લાખ, ગ્લેનમાર્ક લાઇફને ૩૯.૫ લાખ અરજી મળી હતી. જ્યારે એસબીઆઇ લાઇફને ૩૯.૦૪ લાખ અરજી મળી હતી. દરમિયાન ટાટા ટેકનોલોજીમાં ક્વિબ્સ પોર્શન ૨૦૩.૪૧ ગણો, નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૬૨.૧૧ ગણો અને રિટેલ પોર્શન ૧૬.૪૯ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૭૫-૫૦૦ હતી.
જ્યારે, ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયાનું ભરણું કુલ ૬૫.૬૨ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૬૪.૩૪ ગણો અને રિટેલ પોર્શન ૨૯.૯૨ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૬૦-૧૬૯ હતી. જ્યારે ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફરનું ભરણું કુલ ૪૯.૨૭ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૩૫.૨૩ ગણો અને રિટેલ પોર્શન ૧૩.૭૩ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૮૮-૩૦૪ હતી.
એ જ રીતે, ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસનું ભરણું કુલ ૨.૨૪ ગણું ભરાયું છે. નોન ઇન્સ્ટિટ્યુશનલ પોર્શન ૧.૪૯ ગણો અને રિટેલ પોર્શન ૧.૮૮ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૩૩-૧૪૦ હતી. હવે રોકાણકારોની નજર આ શેરોના લિસ્ટિંગ પર છે, કારણ કે ગ્રે માર્કેટમાં આ શેરોએ જબરદસ્ત આકર્ષણ જમાવ્યું છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button