હલકી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર નિકાસ જકાત ન લાદવા ફિમિનો અનુરોધ | મુંબઈ સમાચાર
વેપાર

હલકી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર નિકાસ જકાત ન લાદવા ફિમિનો અનુરોધ

નવી દિલ્હીઃ હલકી અથવા તો ઓછી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર જો નિકાસ જકાત લાદવામાં આવશે તો ખાણનાં સ્થાનો પર બિનઉપયોગી સંશાધનોનો બગાડ થશે, ખાણની કામગીરી પર માઠી અસર પડશે, રોજગારમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ નુકસાન થાય તેમ હોવાથી ફેડરેશન ઑફ ઈન્ડિયન મિનરલ ઈન્ડસ્ટ્રીઝ (ફિમિ)એ સરકારને હલકી અથવા તો ઓછી ગુણવત્તા ધરાવતા આયર્ન ઑર પર નિકાસ જકાત ન લાદવા સરકારને અનુરોધ કર્યો છે.

ફેડરેશને વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલને એક આવેદનપત્રમાં જણાવ્યું છે કે હલકા ગે્રડનાં આયર્ન ઑરનાં અસરકારક વપરાશ માટે અને મુદ્રીકરણ માટે તથા સ્થાનિક સ્ટીલ ઉદ્યોગની આયર્ન ઑરની ઉપલબ્ધિતા વધારવા માટે સ્થાનિક ઉદ્યોગ હલકી ગે્રડનાં આયર્ન ઑર પર નિકાસ જકાત ન લાદવા અનુરોધ કરી રહ્યું છે. ફિમિએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ હાલમાં માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળા આયર્ન ઑર (+ 62 ટકા ફેરેનહીટ)નો ઉપયોગ કરે છે અને સમગ્ર ભારતમાં હલકી ગે્રડના આયર્ન ઑની કોઈ માગ નથી હોતી.

નોંધનીય બાબત એ છે કે સંચિત થયેલી હલકી ગુણવત્તાની સામગ્રી ખાસ કરીને ખનન કાર્ય દરમિયાન ઉત્પન્ન થતી ઝીણી સામગ્રી ખાણ આસપાસ અથવા તો જૂના કચરામાં ફસાયેલી રહેતી હોય છે. જોકે, સ્થાનિક સ્તરે હલકી ગુણવત્તાના આયર્ન ઑરનો વપરાશ પેલેટ ઉત્પાદનમાં થતો હોય છે, પરંતુ તેમાં પણ વણવપરાયેલનું પ્રમાણ વધુ હોય છે. આવી સ્થિતિમ માત્ર પર્યાવરણ સામે પડકારો ઊભા નથી થતાં, પરંતુ તે વૈજ્ઞાનિક ઢબે ખનન અને ટકાઉ ખનને પણ અટકાવે છે. આથી જો તેની નિકાસ થાય તે જ જરૂરી છે. નિકાસ થકી વૈજ્ઞાનિક ઢબે ખનન થાય, ખનનમાં આવતા અંતરાયો ઓછા થાય, રોજગારી જળવાયેલી રહે અને નિકાસ થકી વિદેશી હૂંડિયામણની આવક પણ થાય.

વધુમાં ફિમિએ જણાવ્યું હતું કે દેશમાં આયર્ન ઑરની પ્રચુર અનામત છે દેશમાં તેની બિલકુલ અછત ન હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે આયર્ન ઑરના ઉત્પાદનમાં પ્રત્યેક વર્ષે વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને સ્ટીલ ઉદ્યોગ માટેની +60 ટકા ફેરેનહીટ આયર્નની સ્થાનિક માગ પણ સંતોષાઈ રહી છે અને અતિરિક્ત માત્રાની નિકાસ પણ થઈ રહી હોવાનું ફેડરેશને ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button