વૈશ્ર્વિક સોનામાં ૧૩ ટકાની તેજી સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય
આગામી વર્ષે પણ તેજી સાથે ભાવ ₹ ૭૦,૦૦૦ પહોંચવાની ધારણા
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહેવાને કારણે તાજેતરમાં સોનામાં તેજીનો પવન ફૂંકાઈ જતાં વર્ષ ૨૦૨૩નાં અંતે વાર્ષિક ધોરણે વૈશ્ર્વિક સોનામાં અંદાજે ૧૩ ટકાની તેજી નોંધાઈ હતી. જોકે આ તેજી પાછળ અન્ય પૂરક પરિબળોમાં ખાસ કરીને રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં યુદ્ધને કારણે રાજકીય-ભૌગોલિક તણાવ, ફુગાવામાં વધારો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં જોવા મળેલા ચઢાઉ-ઉતારનો પણ સમાવેશ થાય છે. વધુમાં આગામી વર્ષે અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવીને વર્ષ દરમિયાન ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર હોવાથી તેમ જ અનિશ્ર્ચિતતાના માહોલમાં વૈશ્ર્વિક અગ્રણી કેન્દ્રવર્તી બૅન્કોની પણ સોનામાં લેવાલી જળવાઈ રહેવાથી સોનાની તેજીને ટેકો મળતો રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
એકંદરે વર્ષ ૨૦૨૩માં સોનાના ભાવમાં ભારે ચંચળતા જોવા મળી હતી. ગયા મે મહિનામાં વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૦૮૩ ડૉલર પહોંચ્યા ત્યારે સ્થાનિકમાં ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૮૪૫ની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગત ૧૬મી નવેમ્બરે ભાવ વધીને રૂ. ૬૧,૯૧૪ના મથાળે પહોંચ્યા હોવાનું કોમટ્રેન્ડઝ રિસર્ચનાં ડિરેક્ટર જ્ઞાનશેખર ત્યાગરાજને જણાવતા ઉમેર્યું હતું કે ત્યાર બાદ સલામતી માટેની માગને ટેકે ગત ૪ ડિસેમ્બરના રોજ ભાવ વધીને રૂ. ૬૩,૮૦૫ની નવી વિક્રમ સપાટીને સ્પર્શ્યા હતા. અમારા મતાનુસાર આગામી વર્ષ ૨૦૨૪માં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટીએ પહોંચશે, જ્યારે સ્થાનિકમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેનો પોર્ટફોલિયો હળવો કરશે પરિણામે રૂપિયો દબાણ હેઠળ આવતા સ્થાનિકમાં સોનાના ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૦૦૦ સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.
ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે પાછોતરા સત્રમાં હાજરમાં સોનાના ભાવ સાધારણ સુધારા સાથે ઔંસદીઠ ૨૦૬૪.૩૪ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૭૧.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ સપ્તાહના અંત પૂર્વે સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકા જેટલો વધારો નોંધાયો હતો. એકંદરે વર્ષ દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ નીચામાં ઔંસદીઠ ૧૮૦૦ ડૉલર અને ઉપરમાં વધીને ઔંસદીઠ ૨૧૩૫.૪૦ ડૉલરની સપાટી સુધી પણ પહોંચ્યા હતા. જોકે, આગામી વર્ષે હળવા વ્યાજદરનું વાતાવરણ રહેવાનું હોવાથી ડૉલરની નબળાઈ સાથે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેશે, એમ વિશ્ર્લેષક એડવર્ડ મેઈરે જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વની હળવી નાણાનીતિની અપેક્ષા, રાજકીય-ભૌગોલિક તણાવ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેવાના આશાવાદને ધ્યાનમાં લેતા સોનાના રોકાણકારો આગામી વર્ષે ઊંચા ભાવનો આશાવાદ રાખી રહ્યા છે. જોકે, યુબીએસનાં વિશ્ર્લેષક ગિઓવન્ની સ્ટૉન્વોએ જણાવ્યું હતું કે સોનાના ઊંચા ભાવ માટે રોકાણકારોની પ્રબળ માગ, સોનાના એક્સચેન્જ ટ્રેડેડે ફંડમાં મજબૂત પ્રવાહ હોવો જોઈએ અને તેના માટે નબળા અમેરિકાના આર્થિક ડેટા અને ફુગાવાની સપાટી નીચી રહે તો ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અખત્યાર કરશે. સામાન્યપણે નીચા વ્યાજદરનાં સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી રહેતી હોય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે વર્ષ ૨૦૨૩માં ડૉલર ઈન્ડેક્સમાં બે ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને અમેરિકાની ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડ ગત જુલાઈ પછીની સૌથી નીચી સપાટી આસપાસ પ્રવર્તી રહી છે.
જે પી મોર્ગનનાં એક અહેવાલ અનુસાર ફેડરલના વ્યાજદરમાં કપાતના આશાવાદે આગામી વર્ષ ૨૦૨૪નાં મધ્ય સુધી સોનામાં બ્રેકઆઉટ રેલી જળવાઈ રહેશે અને જો વ્યાજદરમાં અપેક્ષિત કપાત ફળીભૂત થાય તો વર્ષ ૨૦૨૪ના અંતે સોનાના ભાવ ઔંસદીઠ ૨૧૫૦ ડૉલર આસપાસ રહે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. તે જ પ્રમાણે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના વર્ષ ૨૦૨૪ના આઉટલૂકમાં જણાવ્યું છે કે અમેરિકામાં લાંબાગાળાના પાકતા બૉન્ડની યિલ્ડમાં ૪૦થી ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો થતાં એકંદરે ૭૫થી ૧૦૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો જોવા મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં હાલના ભાવથી ચાર ટકા જેટલી તેજી જોવા મળે તેવી શક્યતા છે.
વધુમાં વર્ષ ૨૦૨૪માં સોનામાં વધઘટનો આધાર મધ્ય પૂર્વના દેશોનાં તણાવ, ઘણાં દેશોમાં યોજાનારી ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતા અને ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલીનો સોનાની તેજીને ટેકો મળી શકે, પરંતુ જો અમેરિકામાં પુન: ફુગાવો વધે અને ફેડરલ રિઝર્વ ફરી કડક નાણાનીતિનું વલણ અપનાવે તો સોનામાં તેજીના વળતા પાણી જોવા મળી શકે છે, એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. જોેકે વર્ષ ૨૦૨૩માં અમેરિકા ખાતે ફુગાવો અપેક્ષા કરતાં ઝડપભેર શાંત થયો હોવાથી વ્યાજ કપાતનો આશાવાદ ઊભો થયો છે.
વધુમાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે આગામી સપ્તાહે વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૧૪૦થી ૨૧૭૦ ડૉલર આસપાસની રેન્જમાં રહેવાની ધારણા મૂકી છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૨૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૬૪,૦૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.