સપ્ટેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોનાં આંતરપ્રવાહમાં નવ ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ નવ ટકા ઘટીને રૂ. 30,421 કરોડની સપાટીએ રહ્યો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એસોસિયેશનનાં જણાવ્યાનુસાર આ સાથે જ સતત બીજા મહિનામાં માસિક ધોરણે આંતરપ્રવાહમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં સતત પંચાવનમાં મહિનામાં ઈક્વિટી સેગ્મેન્ટમાં ચોખ્ખો આંતરપ્રવાહ જળવાઈ રહ્યો છે.
આપણ વાંચો: શેરબજારની વધઘટના જોખમથી ભય લાગતો હોય તો ઈક્વિટી સિવાયના મ્યુચ્યુઅલ ફંડસ વિશે વિચારવું જોઈએ…
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ઈક્વિટી ઓરિયેન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં આંતરપ્રવાહ આગલા જુલાઈ અને ઑગસ્ટ મહિનાના અનુક્રમે રૂ. 42,702 કરોડ અને રૂ. 33,430 કરોડનાં આંતરપ્રવાહ સામે ઘટીને રૂ. 30,421 કરોડની સપાટીએ રહ્યો હતો.
ઈકિવટી ફંડની શ્રેણીમાં સૌથી વધુ હિસ્સો ફ્લેક્સી કેપ ફંડમાં રૂ. 7029 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મિડ કેપ ફંડમાં રૂ. 5085 કરોડનો અને સ્મોલ કેપ ફંડમાં રૂ. 4363 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. આ ઉપરાંત લાર્જકેપ ફંડમાં રૂ. 2319 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.
આપણ વાંચો: ઈકો-સ્પેશિયલઃ અનિશ્ચિત સંજોગોમાં પણ મ્યુચ્યુઅલ ફંડનો રોકાણ પ્રવાહ ઊંચો કેમ?
બીજી તરફ ડેબ્ટ શ્રેણીમાં ગત સપ્ટેમ્બર મહિનામાં રૂ. 1.02 લાખ કરોડનો બાહ્યપ્રવાહ રહ્યો હતો. જોકે, આ પૂર્વે ઑગસ્ટ મહિનામાં રૂ. 7980 કરોડનો બાહ્યપ્રવાહ રહ્યો હતો.
એકંદરે ગત ઑગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જોવા મળેલા રૂ. 52,443 કરોડના આંતરપ્રવાહ સામે ગત સપ્ટેમ્બર મહિનામાં રૂ. 43,146 કરોડનો બાહ્ય પ્રવાહ રહ્યો હતો. તેમ જ સપ્ટેમ્બરના અંતે ઉદ્યોગની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ જે ઑગસ્ટના અંતે રૂ. 75.12 કરોડની સપાટીએ હતી તે વધીને 75.61 લાખ કરોડની સપાટીએ રહી હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.