મર્યાદિત માગે આયાતી તેલમાં નરમાઈ | મુંબઈ સમાચાર
વેપાર

મર્યાદિત માગે આયાતી તેલમાં નરમાઈ

મધ્ય પ્રદેશમાં સોયાબીનના વાવેતર વિસ્તારમાં પાંચ ટકાનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે સાધારણ છ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ 40 રિંગિટનો સુધારો આવ્યો હોવા છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હોવાથી આયાતી તેલમાં સોયા રિફઈન્ડ અને આરબીડી પામોલિનમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મથકો પાછળ એક માત્ર સરસવના ભાવ 10 કિલોદીઠ રૂ. પાંચ વધી આવ્યા હતા.

દરમિયાન વર્તમાન ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશ ખાતે સોયાબીનનું વાવેતર ગત સાલના સમાનગાળાના 53.88 લાખ હેક્ટર સામે પાંચ ટકા ઘટીને 51.2 લાખ હેક્ટર આસપાસ થયું હોવાનું સરકારી આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1260, સોયા રિફાઈન્ડના રૂ. 1250 અને સન રિફાઈન્ડના રૂ. 1425, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1275 અને સન રિફાઈન્ડના રૂ. 1420, ગોદરેજ એગ્રોવેટ, અલાના અને ઈમામીના આરબીડી પામોલિનના અનુક્રમે રૂ. 1235, રૂ. 1270, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1270 અને રૂ. 1250 તથા રિલાયન્સ ક્નઝ્યુમરના સોયા રિફાઈન્ડના રૂ. 1285 અને સન રિફાઈન્ડના રૂ. 1430ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નિરસ હતી.

આજે ગુજરાતમાં ગોંડલ મથકે 1500 ગૂણી જૂની અને 7500 ગૂણી નવી મગફળી મળીને કુલ 9000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 900થી 1100માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે 1100 ગૂણી જૂની અને 1100 ગૂણી નવી મળીને કુલ 2200 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 900થી 1080માં ટકેલા ધોરણે થયા હતા.

આજે સ્થાનિકમાં હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1265, સોયા રિફાઈન્ડના રૂ. 1275, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1370માં, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350માં અને સરસવના રૂ. 1605ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 10 ઘટીને રૂ. 2140માં અને લૂઝમાં 10 કિલોદીઠ 10 ઘટીને રૂ. 1335માં થયાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button