ખાદ્યતેલમાં નિરસ વેપારે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી તથા તાજેતરમાં વૈશ્વિક બજારોમાં ઘટાડાતરફી વલણ રહેતું હોવાથી વધુ ભાવઘટાડાના આશાવાદે ટ્રેડરોની લેવાલી માત્ર ખપપૂરતી રહેતા આજે પણ સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં વધુ 54 સેન્ટ ઘટી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આયાતી તેલના 10 કિલોદીઠ ભાવમાં કોફ્કોનાં કંડલા બંદરથી ડિલિવરી શરતે આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1250, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1245થી 1250, ગોકુલ એગ્રોનાં સન રિફાઈન્ડના રૂ. 1410 અને જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1255 અને સોયા રિફાઈન્ડના રૂ. 1245 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે રિફાઈનરો તથા ટ્રેડરોની હાજરી પણ પાંખી હોવાથી વેપારો અત્યંત નિરસ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ખાદ્યતેલના જૂના ડબ્બા પર પ્રતિબંધનો કડક અમલ: સૌરાષ્ટ્રમાં ફફડાટ અને ભાવવધારાની ભીતિ
સ્થાનિકમાં આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1280, સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1340, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350 અને સરસવના રૂ. 1605ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 20 ઘટીને રૂ. 2120માં અને લૂઝમાં 10 કિલોદીઠ 15 ઘટીને રૂ. 1315માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.