દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ | મુંબઈ સમાચાર
વેપાર

દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ

1થી 10 ઑક્ટોબરમાં મલયેશિયાની પામતેલની નિકાસ 9.86 ટકા વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ
ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી થતી આયાત સામે અતિરિક્ત 100 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરતાં શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 98 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંત તેમ જ બૅન્કો પણ બંધ રહેતાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યાં હોવાથી દેશી-આયાતી તેલના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા.

દરમિયાન કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા તાજેતરમાં સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી ઑક્ટોબરથી 10મી ઑક્ટોબર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા સપ્ટેમ્બર મહિનાના 4,76,610 ટન સામે 9.86 ટકા વધીને 5,23,602 ટન આસપાસના સ્તરે રહી હોવાનો પ્રાથમિક અંદાજ મૂક્યો છે.

આ પણ વાંચો: કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 20નો ઉછાળો, આયાતી તેલમાં ટકેલું વલણ

વધુમાં આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1285 અને સોયા રિફાઈન્ડના રૂ. 1260, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1285 અને સોયા રિફાઈન્ડના રૂ. 1260 તથા કારગિલના રેડી ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1245 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નહોતા. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે અને છૂટાછવાયા રવાનગીનાં કામકાજો થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 17,000 ગૂણીની અને ગઈકાલની શેષ 20,000 ગૂણી મળીને કુલ 35,000 ગૂણી તેમ જ રાજકોટ મથકે 25,000 ગૂણી મગફળીની આવક થઈ હોવાના તેમ જ બન્ને મંડીમાં વેપાર મણદીઠ રૂ. 950થી 1250ના મથાળે થયા હોવાના અહેવાલ હતા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1300, સોયા રિફાઈન્ડના રૂ. 1290, સન રિફાઈન્ડના રૂ. 1460, સિંગતેલના રૂ. 1400, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1340 અને સરસવના રૂ. 1515ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર આજે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2205માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1375માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button