ખાદ્યતેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ સરકાર ક્રૂડ અને રિફાઈન્ડ તેલ પરની આયાત જકાત વધારે તેવી શક્યતા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 39 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યાં હોવાથી ભાવમાં એકંદરે ટકેલું વલણ રહ્યું હતું.
સરકાર તેલીબિયાંના ખેડૂતોને ટેકો આપવાની સાથે ખાદ્યતેલમાં આયાત નિર્ભરતા ઘટાડવા માટે ક્રૂડ અને રિફાઈન્ડ તેલ વચ્ચેની જકાતનો તફાવત જાળવી રાખીને ક્રૂડ પામતેલ સોયાબીન તેલ અને સનફ્લાવર પરની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં 10થી 15 ટકા સુધીનો વધારો કરવાની વિચારણા કરી રહી હોવાનું બે સરકારી અધિકારીઓએ નામનો ઉલ્લેખ ન કરવાની શરતે એક પ્રસાર માધ્યમને જણાવ્યું હતું.
આ પણ વાંચો: ખાદ્યતેલમાં નિરસ વેપારે ટકેલું વલણ
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1280 અને સોયા રિફાઈન્ડના રૂ. 1240, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1270, સોયા રિફાઈન્ડના રૂ. 1240 અને સન રિફાઈન્ડના રૂ. 1430, રિલાયન્સ ક્નઝ્યુમરના સન રિફાઈન્ડના રૂ. 1435, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1240, પતંજલિ ફૂડ્સના ઓક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1275, ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના રૂ. 1255 અને જી-વનના આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1245 અને રૂ. 1235 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નહોતા.
ગુજરાનાં ગોંડલ મથકે આજે મગફળીની 17,000 ગૂણીની અને રાજકોટ મથકે 9000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર અનુક્રમે મણદીઠ રૂ. 800થી 1200માં અને રૂ. 1840માં થયાના અહેવાલ હતા.
આ પણ વાંચો: ખાદ્યતેલના જૂના ડબ્બા પર પ્રતિબંધનો કડક અમલ: સૌરાષ્ટ્રમાં ફફડાટ અને ભાવવધારાની ભીતિ
દરમિયાન આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1275, સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1430, સિંગતેલના રૂ. 1335, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1310 અને સરસવના રૂ. 1510ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર આજે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2090માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1290માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.