ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનાએ પુનઃ 4000 ડૉલરની સપાટી અંકે કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી સુપ્રીમ કોર્ટે ગઈકાલે પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટૅરિફ અંગેની કાયદેસરતા સામે શંકા વ્યક્ત કરી હોવાથી આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ચાર મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો.
ડૉલર નબળો પડતાં આજે લંડન ખાતે ખાસ સત્રના આરંભે સોનાના ભાવમાં 0.8 ટકાનો ઉછાળો આવ્યો હતો અને પુનઃ આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી અંકે કરી હતી. તેમ જ આજે ચાંદીના ભાવમાં 1.3 ટકા જેટલા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 250થી 251નો સાધારણ સુધારો આવ્યો હતો, પરંતુ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2092નો ચમકારો જોવા મળ્યો હતો.
આપણ વાચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2092 વધીને રૂ. 1,48,242ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે વિશ્વ બજાર પાછળ પણ સોનામાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 250 વધીને રૂ. 1,20,187 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 251 વધીને રૂ. 1,20,670ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારની તુલનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.
આપણ વાચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં 0.3 ટકાનો ઘટાડો આવ્યો હોવાથી હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 4015.31 ડૉલર અને 4024.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.3 ટકા વધીને આૈંસદીઠ 48.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગઈકાલે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટૅરિફની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ કરતાં આજે ડૉલર નબળો પડવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન કોન્સોલિડેશન જળવાઈ રહે તેવી શક્યતા છે, પરંતુ જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તો ભાવ વધીને ફરી આૈંસદીઠ 4200 ડૉલર સુધી પહોંચી શકે છે.
દરમિયાન ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા ગત ઑક્ટોબર મહિનાના ખાનગી રોજગારીનાં ડેટામાં કંપનીઓએ 42,000 રોજગારોનો ઉમેરો કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, રોજગારીમાં જોવા મળેલો ઉમેરો રૉઈટર્સના 28,000ના ઉમેરાના અંદાજ કરતાં વધુ હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પાતળી બની હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
વાસ્તવમાં અમેરિકામાં ગવર્મેન્ટ શટડાઉન લાંબા સમય સુધી ચાલ્યું હોવાથી સરકારી ડેટાની જાહેરાતના અભાવ વચ્ચે રોકાણકારોએ અને ફેડરલ રિઝર્વે ખાનગી ડેટાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે.



