ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 383.68 કરોડની વેચવાલી જળવાઈ રહી હોવાના અહેવાલો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના 88.70ના મથાળે ટકેલા ધોરણે બંધ રહ્યો હતો.
જોકે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ વિજય ભણી આગેકૂચ કરી રહ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાચો: ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા નરમ
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયા ગઈકાલના 88.70ના બંધ સામે ભાવ ટૂ ભાવ 88.70ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.75 અને ઉપરમાં 88.70ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ભાવ ટૂ ભાવ અથવાઈ ગઈકાલની જ 88.70ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.12 ટકા વધીને 99.27 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.59 ટકા ઉછળીને બેરલદીઠ 63.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 84.11 પૉઈન્ટનો અને 30.90 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
વધુમાં આજે મૂડીઝ રેટિંગ્સે વર્તમાન વર્ષ 2025 માટે ભારતના આર્થિક વૃદ્ધિદરને અંદાજ સાત ટકાનો અને આગામી વર્ષ 2026 માટે 6.5 ટકાના વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો હોવાથી તેમ જ આજે ઑક્ટોબર મહિનાનો જથ્થાબંધ ફુગાવો -1.21 ટકાના સ્તરે રહ્યો હોવાના અહેવાલ સાથે રિઝર્વ બૅન્ક હળવી નાણાનીતિ અપનાવે તેવા આશાવાદને કારણે પણ રૂપિયાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.



