ફેડરલના ગવર્નર કૂકને દૂર કરવાના સંકેતે ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 339ની અને ચાંદીમાં રૂ. 392ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કૂકને સત્તા પરથી દૂર કરવાની જાહેરાત કરતાં આજે રોકાણકારોમાં અમેરિકી અસ્ક્યામતો અને ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા પરનો વિશ્વાસ ડગમગી જતાં વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ 0.2 ટકા વધીને ફરી બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ 0.4 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો પણ વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 337થી 339ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 392 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયાની નરમાઈ સાથે સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 337 વધીને રૂ. 1,00,423 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 339 વધીને રૂ. 1,00,827ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેવાની સાથે જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 392 વધીને રૂ. 1,16,525ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કૂકની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની જાહેરાત સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.2 ટકા જેટલો નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને ગત 11 ઑગસ્ટ પછીની આૈંસદીઠ 3374.49 ડૉલરની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને 3421.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 38.71 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ગવર્નર તરીકે સેવા આપતી સૌપ્રથમ આફ્રિકન અમેરિકન મહિલા લિસા કૂકને બોરોઈંગ મોર્ગેજના ગેરરીતિભર્યા વ્યવહારને કારણે સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હોવાની ટ્રમ્પની જાહેરાત સાથે રોકાણકારોમાં અમેરિકી અસ્ક્યામતો અને કેન્દ્રવર્તી બૅન્કની સ્વતંત્રતા પરનો વિશ્વાસ ડગમગી જતાં ડૉલર નબળો પડતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે શક્યતઃ ટ્રમ્પ ફેડરલ રિઝર્વના અધિકારીઓનાં માળખામાં ફેરફાર કરીને હળવી નાણાનીતિ ધરાવનાર વ્યક્તિઓને નિયુક્ત કરવા ઈચ્છી રહ્યા હોય અને જો આમ થાય તો સોનામાં તેજી વેગીલી બની શકે છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કપાતના સંકેત આપવાની સાથે સાથે ટૅરિફ નીતિને કારણે ફુગાવામાં વૃદ્ધિનું જોખમ પણ હોવાનું જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ છે કેમ જે તેની અસર આગામી 16-17 સપ્ટેમ્બરની ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકનાં નિર્ણય પર પડી શકે તેમ છે.
વધુમાં પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે વિશ્વના સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ 0.18 ટકા વધીને 958.49 ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.
આપણ વાંચો: પૉવૅલનાં વ્યાજદરમાં કપાતનાં સંકેતઃ વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચેથી પાછું ફર્યું…