ડૉલર ઈન્ડેક્સે 100ની સપાટી કુદાવતા રૂપિયો 24 પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં ઘણાંખરા અધિકારીઓએ ઑક્ટોબરમાં વ્યાજદરમાં કાપ મૂક્યા બાદ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવા સામે વિરોધ વ્યક્ત કર્યો હોવાનું જણાતા ગઈકાલે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહ્યા બાદ આજે ઊંચા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હોવા છતાં 100ની સપાટી કુદાવી ગયો હોવાથી તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ વધી આવ્યા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 24 પૈસા ગબડીને 88.72ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં મોટું ધોવાણ અટક્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.48ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.63ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.74 અને ઉપરમાં 88.62ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 24 પૈસાના ઘટાડા સાથે 88.72ના મથાળે બંધ રહ્યો હતો.
આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
અમેરિકી ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (ફોમેક) આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડી હોવાથી તેમ જ ડૉલરમાં આયાતકારોની લેવાલી નીકળવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહીને 88.40થી 89ની રેન્જમાં રહેશે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના ઊંચા મથાળેથી સાધારણ 0.3 ટકા ઘટીને 100.19 આસપાસ તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.71 ટકા વધીને બેરલદીઠ 63.96 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 446.21 પૉઈન્ટ અને 139.50 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1580.72 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં મોટો કડાકો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



