સોનાચાંદીમાં ધનતેરસે ઇન્વેસ્ટર્સ પર ધનવર્ષા: ૭૨ ટકા સુધીનું તોતિંગ વળતર | મુંબઈ સમાચાર
વેપાર

સોનાચાંદીમાં ધનતેરસે ઇન્વેસ્ટર્સ પર ધનવર્ષા: ૭૨ ટકા સુધીનું તોતિંગ વળતર

નિલેશ વાઘેલા

મુંબઈ :
સોનાચંદીના ભાવમાં એકાએક લાવારસ જેવો ભડકો થયો છે અને હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને પરિબળો જોતાં તે વહેલી તકે શાંત થાય એવા અણસાર હાલ તો દૂર સુધી જણાતાં નથી. જો આપણે ઇન્વેસ્ટમેન્ટના ધોરણે વિચારીએ તો સોનાએ ધનતેરસથી ધનતેરસ દરમિયાન અન્ય એસેટ ક્લાસથી અનેકગણું વધુ વળતર આપ્યું છે.

એક અંદાજ અનુસાર સોનામાં ઉપરોક્ત સમયગાળાની ગણતરીએ ૬૪ ટકા અને ચાંદીમાં ૭૨ ટકાનું વળતર મળ્યું છે. ભારતમાં સોનાના ભાવ ગ્લોબલ માર્કેટ પર અવલંબે છે, પરંતુ અલબત્ત ભારતમાં વિવિધ શહેરોમાં ભાવ અલગ રહેતા હોવાથી ટકાવારીમાં મામૂલી ફેરફાર રહી શકે છે.

આ પણ વાંચો: વૈશ્વિક સોનાએ 4300 ડૉલરની સપાટી કુદાવી અને ચાંદી 54 ડૉલર પર પહોંચી

ગ્લોબલ માર્કેટમાં શુક્રવારે સપ્તાહ અંતે સોનામાં ૧૦૦ ડોલરની ઊથલપાથલ જોવા મળી હતી. ચાંદી તથા અન્ય કિંમતી ધાતુમાં પણ મોટી વધઘટ રહી હતી. સોનાના ભાવ ૪૩૦૦ ડોલરને પાર કરીને ફરી ગબડયા હતા. જ્યારે ચાંદી ઉપરમાં ૫૪ ડોલરને આંબી જઈ ઢીલી પડી હતી.

સંવત ૨૦૮૦ની ધનતેરસ તથા સમાપ્ત થઈ રહેલા સંવત ૨૦૮૧ની ધનતેરસ દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં સોનાના રોકાણ પર રોકાણકારોને જંગી વળતર છૂટયું છે. એક વર્ષના ગાળામાં રોકાણકારોને સોના પર ૬૪ ટકા જ્યારે ચાંદી પર ૭૨ ટકા વળતર છૂટયું છે.

આ પણ વાંચો: રાજ્યમાં પુષ્ય નક્ષત્રમાં મહાનગરોમાં સોના-ચાંદીની ચમક ઘટી, નાના શહેરમાં વધી

સંવત ૨૦૮૦માં ધનતેરસ ૨૯ ઓકટોબરના હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા પ્રમાણે ૯૯.૯૦ દસ ગ્રામ સોનાનો ભાવ જીએસટી વગર રૂ. ૭૮૭૪૫ રહ્યો હતો જે વર્તમાન સંવતની ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂ. ૧,૨૯,૫૮૪ પહોંચી ગયો હતો. ભાવ સતત વધી રહ્યા હોવાથી તેની હાલની વેલ્યૂ ધ્યાનમાં લેવામાં આવી નથી.

સોના ઉપરાંત સમાપ્ત થઈ રહેલા સંવત ૨૦૮૧માં ચાંદીએ પણ રોકાણકારોને જોરદાર વળતર પૂરું પાડયું છે. ગયા વર્ષની ધનતેરસે .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલોનો જીએસટી વગર ભાવ રૂ. ૯૭૮૭૩ રહ્યો હતો જે આ વખતે રૂ. ૧,૬૯,૨૩૦ બોલાઈ રહ્યો છે. વિદાય લઈ રહેલા સંવત ૨૦૮૧માં સોનામાં રૂ. ૫૦૮૩૯ અથવા તો ૬૪ ટકા અને ચાંદીમાં રૂ. ૭૧૩૫૭ અથવા ૭૨ ટકા વળતર છૂટયું છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button